Rajkot Talwar Raas: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં શારદીય નવરાત્રી મહોત્સવ શરૂ છે. ત્યારે રાજકોટ શહેરના પેલેસ રોડ સ્થિત રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રી રાસોત્સવ 2026 અંતર્ગત ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 150 થી વધુ ક્ષત્રિય દીકરીઓ તેમજ મહિલાઓ દ્વારા તલવાર રાસ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
બાઈક અને ખુલ્લી જીપ પર ક્ષત્રિય મહિલાઓ તેમજ દીકરીઓ દ્વારા તલવાર રાસ પ્રસ્તુત કરીને ભગવતીની આરાધના પણ કરવામાં આવી હતી. રાજકોટ સ્ટેટના રાણી સાહેબ કાદમ્બરી દેવીજી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ દીકરીઓ દ્વારા જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર સવાર થઈને તલવાર રાસ પ્રસ્તુત કરવામાં આવે છે. આ રાસ પ્રસ્તુત કરવા માટે એક મહિનાથી ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ દીકરીઓ પ્રશિક્ષણ મેળવતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ દીકરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ તલવાર રાસ અગાઉ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે છેલ્લા 19 વર્ષથી ભગીની ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ દીકરીઓ દ્વારા તલવાર રાસ પ્રસ્તુત કરી ભગવતીની આરાધના કરવામાં આવે છે.
કાદંબરી દેવીજીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય ભગવતીના આરાધક હોય છે. ભગવતીને શસ્ત્ર પ્રિય હોય છે. ભગવતી શસ્ત્ર દ્વારા જ દુષ્ટોનો નાશ કરે છે. ત્યારે શસ્ત્ર દ્વારા જ ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ દીકરીઓ દ્વારા ભગવતીની આરાધના કરવામાં આવે છે. રણજીત વિલાસ પેલેસ ખાતે તલવાર રાસ સિવાય દિવા રાસ તેમજ થાળી રાસ સહિતના રાસ પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
