Rajkot Fake Pesticide Factory Bust: રાજકોટ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ દરોડો પાડી પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ચાલી રહેલા નકલી જંતુનાશક દવાઓ બનાવાની ફેક્ટરી ઝડપી પાડી છે.
નકલી દવા બનાવવાના મિશ્રણ અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કરી ફેક્ટરીમાંથી અંદાજે રૂ. 10,12,748 ની કિંમતનો નકલી દવાઓનો જથ્થો તથા મોટી માત્રામાં ડુપ્લિકેટ સ્ટીકરો અને ખાલી બોટલો જપ્ત કરવામાં આવી છે. આ મામલે રાજકોટના શખ્સની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પ્રખ્યાત એગ્રીકલ્ચર કંપનીઓ જેવી કે બાયર ક્રોપ સાયન્સ, યુ.પી.એલ., સીજેન્ટા, ઇન્સેક્ટિ ઇન્ડિયા અને એફ.એમ.સી. ઇન્ડિયા માટે બ્રાન્ડ પ્રોટેક્શનનું કામ કરતી તપાસ એજન્સીના સીનિયર ઇન્વેસ્ટિગેશન ઓફિસર નીતિનકુમાર ભીખાભાઈ પટેલ (રહે. અમદાવાદ) ને બાતમી મળી હતી કે, પડધરીના અમરેલી ગામની સીમમાં આવેલા ‘રેડવુડ ઇન્ડસ્ટ્રીયલ’ નામના કારખાનાની ઓરડીમાં નામચીન કંપનીઓની ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવામાં આવે છે.
આ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOGના PI એફ.એ. પારગીની સૂચનાથી PSI જી.જે.ઝાલા તેમજ કૃષિ અધિકારી મયુરીબેન રૂપાપરા સહિતના સ્ટાફ દ્વારા રેડવુડ ઇન્ડસ્ટ્રીયલ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન સ્થળ પરથી આરોપી નિર્ભયભાઈ હરસુખભાઈ સુદાણી (રહે. ત્રિમૂર્તિ ટાવર, લક્ષ્મીનગર રોડ, રાજકોટ) મળી આવ્યો હતો.
કારખાનાની દક્ષિણ બાજુ આવેલી ઓરડીઓમાંથી તપાસ કરતા વિખ્યાત કંપનીઓના નામના બોક્સ, ડુપ્લિકેટ દવાઓ, 44,760 નંગ સ્ટીકર/સ્ટીકર રોલ અને 4,653 નંગ ખાલી બોટલો તથા ઢાંકણા મળી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસે દવાઓ બનાવવા, રાખવા કે વેચાણ કરવા માટેનું કોઈ પણ અધિકૃત લાયસન્સ કે આધાર-પુરાવા નહોતા. આરોપી જુદી-જુદી જગ્યાએથી કેમિકલ અને રો-મટીરિયલ મગાવી, પ્લાસ્ટિકના બેરલમાં મિશ્રણ કરી બોટલોમાં ભરીને ખેડૂતો અને કંપનીઓ સાથે છેતરપિંડી આચરતો હોવાનું ખૂલ્યું હતું. આ મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં આરોપી નિર્ભય સુદાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
