દિવાળી પૂર્વે લૂંટારું ગેંગનો મનસૂબો નિષ્ફળ, રાજકોટ SOG ટીમે હથિયારો સાથે 5 રીઢા ગુનેગારોને દબોચ્યા

પોલીસ તપાસ અનુસાર, આરોપીઓ સૌરાષ્ટ્રમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાના ઈરાદા સાથે આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 05:35 PM (IST)Updated: Mon, 26 Oct 2026 05:35 PM (IST)
rajkot-sog-arrested-robbery-gang-five-accused-from-kuvadva-weapons-seized

Rajkot Crime News: સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારો દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારીઓની લૂંટ કરવાના ઈરાદે નીકળેલી સશસ્ત્ર આંતરરાજ્ય ગેંગને રાજકોટ શહેર SOG ટીમે કુવાડવા પાસે વાંકાનેર ચોકડી નજીકથી ઝડપી પાડી છે. પોલીસ ટીમે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે ગેંગનો મુખ્ય સુત્રધાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

દિવાળીના તહેવારોમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ મોટી રોકડ રકમ લઈને અવરજવર કરતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજકોટ પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન રાજકોટ SOG ટીમને બાતમી મળી કે, અમદાવાદ તરફથી આવી રહેલી એક શંકાસ્પદ XUV કાર (નંબર MH-06-BE-3165) માં કેટલાક શંકાસ્પદ ઈસમો ગંભીર ગુનાને અંજામ આપવા જઈ રહ્યા છે.

આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે કારને રોકી તપાસ કરતા 5 ઈસમો દેશી બનાવટની પિસ્તોલ, છરી, બેઝબોલના ધોકા અને કાર સહિત રૂ. 5.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રના રીઢા ગુનેગાર સામેલ છે. પોલીસની પૂછપરછમાં ગેંગના મુખીયા મહેબૂબ (રહે. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ) નું નામ ખુલ્યું, જે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

  • 55 વર્ષીય ઝાકીરઅલીલીયાકતઅલી (રહે. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ)
  • 52 વર્ષીય રંજનકુમાર સિંહ ફિરંગીસિંહ રાજપૂત (રહે. પશ્ચિમ ચંપારણ, બિહાર)
  • 51 વર્ષીય સૈયદુદિન નજજીમીયા અંસારી (રહે. મહારાજગંજ, ઉત્તર પ્રદેશ)
  • 31 વર્ષીય મહમદ શાહબાઝ શેખ (મૂળ પ્રતાપગઢ, UP-રહે. વડાલા ઈસ્ટ, મુંબઈ)
  • 48 વર્ષીય સંજય સૂર્યનારાયણ સિંહ રાજપૂત (રહે. કલવા, થાણે, મહારાષ્ટ્ર)

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી કે, સુરતના શખ્સે આપેલી ટીપના આધારે તેઓ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર જિલ્લામાં આવેલ આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્લાન બનાવીને આવ્યા હતા.તેઓ જૂનાગઢમાં અલગ-અલગ આંગડિયા પેઢીમાંથી મોટી રોકડ રકમ લઈને નીકળતા વેપારીઓ કે કર્મચારીઓને રસ્તામાં આંતરીને લૂંટી લેવાના હતા. પરંતુ રાજકોટ SOG ટીમની સતર્કતાના કારણે તેમનો મનસૂબો નિષ્ફળ રહ્યો હતો.

પકડાયેલા ગુનેગારો પૈકી બિહારનો રંજનકુમાર અગાઉ પણ ચોરી, લૂંટ, ધાડ અને નાર્કોટિક્સ (NDPS) ના અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. રંજનકુમાર સામે બિહારના બેરીયા, સુગૌલી, બેટીઆ, લૌરીયા અને બગાહા પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ, હત્યાનો પ્રયાસ અને NDPS એક્ટ હેઠળ 9 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત સૈયદુદિન અંસારી સામે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ અને ધાડ જેવા ગુના નોંધાયેલા છે. જ્યારે ઝાકીરઅલી અગાઉ મારામારી, ચોરી અને લૂંટના કેસમાં જેલહવાલે થઈ ચૂક્યો છે.