રાજકોટ: રિક્ષાચાલક યુવકે બે પોલીસ કર્મચારીઓ પર લગાવ્યો ગંભીર આક્ષેપ, એસિડ ગટગટાવી લેતાં સારવાર હેઠળ ખસેડ્યો

રાજકોટમાં રિક્ષાચાલક 21 વર્ષીય યુવકે બે PCB કર્મચારીઓ પર રૂ.2 લાખની માંગણી અને માર મારવાના આક્ષેપ કર્યા બાદ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 23 Sep 2026 03:45 PM (IST)Updated: Wed, 23 Sep 2026 03:45 PM (IST)
rajkot-rickshaw-driver-acid-consumption-allegations-against-pcb-employees

Rajkot News: રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા યુવકને રિક્ષામાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે બે માસ પૂર્વે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો. જે અંગે મુસાફર વિરૂદ્ધ ગુનો પણ નોંધાયો હતો. તેમ છતાં પીસીબીના બે કર્મચારીઓ પર એવો ગંભીર આક્ષેપ છે કે, તેઓ રિક્ષાચાલક યુવક પાસેથી રુ. બે લાખની માંગણી કરીને અવારનવાર માર મારતા હતા. આથી કંટાળીને યુવકે એસિડ ગટગટાવી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

21 વર્ષીય યુવકે એસિડ ગટગટાવ્યું

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા અને રિક્ષાચાલક ભાર્ગવ હિતેષભાઇ વાળા નામના 21 વર્ષીય યુવકે સાંજના પાંચેક વાગ્યે એસિડ ગટગટાવી લીધું હતું. ઘટના દરમિયાન યુવક કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળ હતો. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બે પીસીબી કર્મચારીઓ પર આક્ષેપ

પ્રાથમિક પૂછપરછમાં યુવાને આક્ષેપ કર્યો છે કે, બે માસ પૂર્વે તેની રિક્ષામાં બેઠેલા મુસાફરને પોલીસે ચાર પેટી દારૂ સાથે ઝડપી લીધો હતો અને જે અંગે પોલીસે મુસાફર વિરૂધ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો. તેમ છતાં પીસીબીના પોલીસ કર્મચારી અનિલ સોનારા અને મહીપાલસિંહ અવાર નવાર રૂ.2 લાખની માંગણી કરી માર મારતા હોવાથી કંટાળી જઇ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ભાર્ગવ વાળાએ આક્ષેપ કર્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.