Rajkot Police NDPS Action: ગુજરાતમાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં ડ્રગ્સના કારોબારને ડામવા માટે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમય માટે કડક નિર્દેશો આપવામાં આવ્યા હતા.
કોલેજો અને યુનિવર્સિટીઓમાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઈન વધારવા સૂચના
બેઠક દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનો નશાના રસ્તે ચડતા અટકે તે માટે વ્યાપક સ્તરે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. તેમણે ખાસ કરીને કોલેજો અને યુનિવર્સિટીઓમાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઈન વધુ સઘન બનાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
રાજકોટ શહેર પોલીસ દ્વારા અગાઉ પણ જાગૃતિના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ગત સપ્ટેમ્બરમાં રેસકોર્ષ ખાતે યોજાયેલા ‘વિકાસથી વિરાસત’ લોકમેળા દરમિયાન નશાકારક પદાર્થોના સેવન અને વેચાણ વિરોધી બેનરો લગાવીને હજારો લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ શાળાઓમાં સેમિનારો યોજીને વિદ્યાર્થીઓને ડ્રગ્સના જોખમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ શહેરમાં એલઈડી સ્ક્રીન અને બેનરો દ્વારા લોકજાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
NDPS એક્ટ હેઠળ મોટી કાર્યવાહી: લાખોનું ડ્રગ્સ જપ્ત
શહેરમાં ગેરકાયદે ડ્રગ્સના વેચાણ સામે લાલ આંખ કરતા પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત 20 ઓગષ્ટથી અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કુલ 8 કેસો નોંધીને રૂ. 11,82,710નો મસમોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે-
- 16.958 કિલોગ્રામ ગાંજો (જેની કિંમત અંદાજે રૂ. 8,47,700 થાય છે) જપ્ત કર્યો છે.
- 116.67 ગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) (જેની કિંમત અંદાજે રૂ. 3,35,010 થાય છે) ઝડપી પાડ્યું છે.
તમાકુ નિયંત્રણ અને મેડિકલ સ્ટોર્સ પર પણ ચેકિંગ
જાહેર આરોગ્ય અને કાયદાનું કડક પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા ‘COTPA’ (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ) હેઠળ ઓગસ્ટ માસમાં 102 કેસ કરીને રૂ. 20,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો. બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં કુલ 77 પાવતીઓ ફાડીને રૂ. 2130નો દંડ કરાયો હતો.
આ ઉપરાંત, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શહેરની ૩૧ મેડિકલ અને દવાની પેઢીઓનું અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ગેરકાયદે નશાકારક દવાઓના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલી એક પેઢી સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ
રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડી.સી.પી.-ઝોન 2 રાકેશ દેસાઈ, એસ.ઓ.જી.ના પી.આઈ. એન.બી. ચૌધરી તેમજ પી.એસ.આઈ. વી.વી. ધ્રાંગુ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહીને ડ્રગ્સ નાબૂદીની આડશને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા-વિચારણા કરી હતી.
