Rajkot News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકોટ જિલ્લાના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના રોજ ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું એક મહાસંમેલન યોજાયું હતું. આ પ્રસંગે રૂ. 125 કરોડના ખર્ચે નિર્માણ થનાર જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો, કૌટુંબિક માળખા અને આધુનિક રીતરિવાજો પર ગંભીર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, સહકુટુંબમાં અને ગામડે દીકરી ન દેવાની માનસિકતા ચિંતાજનક છે.
સિદસર ઉમિયાધામ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 'પરંપરા અને પરિવર્તન' વિષય પર સામાજિક સંમેલન યોજાયું હતું. જેમાં કડવા પાટીદાર સમાજમાં જરૂરી સામાજિક સુધારાઓ અંગે વિચારણા કરવામાં આવી હતી. આ અવસરે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ વાંસજાળીયા, કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, નિલેશ ધૂલેશિયા અને ચીમન સાપરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગંભીરતાપૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં આધુનિક સમાજમાં આવી રહેલા બદલાવો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એવો કાળ છે કે જેમાં તમે તમારું કુટુંબ બચાવી લો તો સમજો દેશ બચી ગયો. રૂપાલાએ ભારપૂર્વક કહ્યું કે દરેક કુટુંબમાં 'ઘર સભા' થવી જોઈએ, જેથી સભ્યો વચ્ચે સંવાદ અને સમજણ જળવાઈ રહે. રૂપાલાએ વડીલો પ્રત્યેની ઉપેક્ષા પર આકરા શબ્દોમાં ટકોર કરતા કહ્યું, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો) છે એ પૂછે છે. તેમણે સહકુટુંબમાં અને ગામડે દીકરી ન દેવાની બાબાતને ચિંતાજનક ગણાવી હતી. રૂપાલાએ કહ્યું કે, આપણે મૂળ ગામડાના છીએ અને ગામડાથી જ વાંધો! ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે.
લગ્નમાં પહેલા પ્રિ-વેડિંગનો રિવાજ નહોતો
તેમણે કહ્યું કે, લગ્નમાં પહેલા પ્રિ-વેડિંગનો રિવાજ નહોતો. સિદસર ઉમિયાધામ નક્કી કરે તે એક તારીખે જ લગ્ન થાય તેવી પરંપરા હતી. પ્રિ-વેડિંગ આપણી જરૂરિયાત નહોતી, આ રિવાજ અડખે પડખેથી આપણામાં આવ્યો છે.પહેલા લગ્નનો જેટલો ખર્ચ થતો તેટલો ખર્ચ આજે માત્ર આલ્બમ પાછળ થાય છે. લગ્નના ગીતો મહિલાઓ ગાતી હતી, હવે બધું ભાડે આપી દીધું છે. તેમણે કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
રૂપાલાએ સામાજિક વિભાજન અને વિઘટનને કારણે સહન શક્તિ ખૂટી રહી હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે ચોંકાવનારા કિસ્સાઓ ટાંક્યા કે જેમાં માતા કંઈ કહે તો દીકરી સુસાઇડ કરી લે છે અને શોપિંગમાં ન જવા દેવાને લીધે ડાયવોર્સ થયાના કિસ્સાઓ છે. આ ટકોર સમાજમાં વધતી અસહિષ્ણુતા અને પારિવારિક સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના સામાજિક સંમેલનો પાટીદાર સમાજમાં જાગૃતિ લાવવા અને સુધારાની દિશામાં પગલાં લેવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરા પાડે છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનોએ સમાજને પોતાના મૂળભૂત મૂલ્યો અને પરંપરાઓનું પુનરાવલોકન કરવા માટે પ્રેરણા આપી છે.
