રાજકોટના ન્યારી ડેમ પાસે રીલ બનાવવા જતાં નબીરાઓને સ્ટંટ ભારે પડ્યો, કાર પાણીમાં ખાબકી

રાજકોટના ન્યારી ડેમ ખાતે સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા જતાં યુવકોની કાર પાણીમાં ખાબકી. ફાયર બ્રિગેડે ક્રેન વડે કાર બહાર કાઢી. ઘટના બાદ સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 10 Aug 2026 07:05 PM (IST)Updated: Mon, 10 Aug 2026 07:05 PM (IST)
rajkot-nyari-dam-car-plunges-during-stunt-for-social-reel

Rajkot News: સોશિયલ મીડિયા પર વાહવાહ મેળવવા અને લાઇક્સની ઘેલછામાં યુવાનો પોતાના જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. આવો જ એક ભયાનક કિસ્સો રાજકોટના પ્રખ્યાત ન્યારી ડેમ (Nyari Dam) ખાતે સામે આવ્યો છે, જ્યાં કેટલાક યુવકોને કાર વડે સ્ટંટ કરી રીલ બનાવવી ભારે પડી ગઈ હતી.

કિનારાની ભેખડ પર કાર દોડાવતી વખતે ચાલકે કાબૂ ગુમાવતા જ વાહન સીધું ડેમના ઊંડા પાણીમાં ખાબકી હતી. આ દ્રશ્ય જોઈને કિનારે હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

જુઓ વિડિયો

ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી હાથ ધર્યું રેસ્ક્યૂ

કાર પાણીમાં ગરકાવ થતાં જ સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ ત્વરિત કંટ્રોલ રૂમમાં જાણ કરતા રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી ક્રેન અને ખાસ સાધનોની મદદથી પાણીમાં ડૂબેલી કારને બહાર કાઢી હતી. ઘટના સમયે કારમાં સવાર યુવાનો સદનસીબે સમયસર બહાર નીકળી જતાં મોટો અકસ્માત ટળ્યો હતો.

ડેમ સાઇટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો

આ ઘટના બાદ ન્યારી ડેમ સાઇટ પર તંત્રની સુરક્ષા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડેમના અત્યંત જોખમી કેચમેન્ટ વિસ્તાર સુધી ખાનગી વાહનો કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે.અવારનવાર યુવાનો દ્વારા આવી જોખમી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવા છતાં યોગ્ય સિક્યોરિટી કે પોઇન્ટ તૈનાત ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે ડેમ સાઇટ પર વાહનોની અવરજવર પર કડક નિયંત્રણો મૂકવામાં આવે અને રીલના નામે જીવના જોખમે સ્ટંટ કરનારા તત્વો સામે પોલીસ દ્વારા ગુનો નોંધીને કડક દાખલો બેસાડવામાં આવે.