Rajkot News: રંગીલા રાજકોટમાં ફરી એકવાર ભક્તિમય માહોલ જામવા જઈ રહ્યો છે. શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી ભવ્ય 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા' ના ઉપલક્ષમાં આજે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજકોટના યુવાધનમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.
કથાના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ માટે આયોજિત આ રેલી શહેરના અલગ-અલગ છ વિસ્તારોમાંથી નીકળી હતી. જેમાં 2000થી વધુ બાઈકો અને ફોર-વ્હીલર કાર સાથે ચાર હજાર જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. જય શ્રી રામ અને જય હનુમાનના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. તમામ રૂટ પરથી પસાર થઈને આ રેલી અંતે શહેરના મધ્યસ્થ રેસકોર્સ મેદાન ખાતે સંપન્ન થઈ હતી.

રાજકોટના આંગણે આ ભવ્ય કથાનું આયોજન 27 ડિસેમ્બર, 2025૫થી 2 જાન્યુઆરી, 2026 દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.કથામાં સાળંગપુરધામના પરમ હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસાનું રસપાન કરાવાશે.

આ કથામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તડામાર તૈયારીઓ અને સ્વયંસેવકોની ફોજ કાર્યરત કરી દેવામાં આવી છે.આ કથામાં દરરોજ 50 હજારથી વધુ શ્રોતાગણો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. તમામ ભક્તો માટે દરરોજ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે.

