Rajkot: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં લગ્ન માટેની વય હજુ નાની હોવાથી પરિવારે એક વર્ષ સુધી રાહ જોવાનું કહેતા સગીરાએ અને તેના પ્રેમીએ ગળે ફાંસો ખાઈ લીધો છે.
માતાએ ઘરનું તાળું ખોલતાં સગીર દીકરી પ્રેમી સાથે છતના હુકમાં લટકતી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જંગલેશ્વરના રાધાકૃષ્ણ નગરમાં રહેતી સગીરા કાજલ (17)એ પોતાના ઘરમાં જ પ્રેમી ચેતન રાફુચા (20) સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે બન્નેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક કાજલના પિતા હયાત નથી, તે પોતાની માતા સાથે રહેતી હતી. જ્યારે તેનો પ્રેમી ચેતન ચુનારાવાડ ચોક નજીકની અંબિકા સોસાયટીમાં રહેતો હતો.
ગત રવિવારે રાતે કાજલ તેની માતા સાથે વાંકાનેરમાં રહેતા પોતાના મામાના ઘરે ગઈ હતી. જ્યાંથી કાજલ રાતના સમયે ઘરે આવવા નીકળી ગઈ હતી. ગઈકાલે પાડોશી પાસેથી ચાવી લઈને ઘરમાં ગઈ હતી.
આજે કાજલની માતા ઘરે આવતા દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. જેથી તપાસ રૂમનો દરવાજો તોડીને અંદર જોતા છતના હુકમાં કાજલ અને તેનો પ્રેમી ચેતન લટકતા મળી આવ્યા હતા. બન્નેએ હુક સાથે દોરડા બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવેલ 108ના તબીબે બન્નેને મૃત જાહેર કર્યાં હતા.
પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું કે, લગ્ન માટે કાજલ અને ચેતનની ઉંમર એક વર્ષ ઓછી હતી. આથી પરિવારજનોએ બન્નેને લગ્ન માટે એક વર્ષ સુધી રાહ જોવાનું કહ્યું હતુ. હાલ તો પોલીસે બન્ને પક્ષોના નિવેદન લીધા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં, સગીરાના પિતાનું વર્ષ 2019માં અવસાન થઈ ગયું છે. સગીરા તેની જ જ્ઞાતિના ચેતન નામના ઇમિટેશનનું મજૂરી કામ કરતા યુવક સાથે ઘણા સમયથી પ્રેમમાં હોય બંનેના લગ્ન કરાવવા પરિવાર સહમત હોય હતા. જો કે બંનેની લગ્ન માટેની ઉંમર પુખ્ત ન હોય જેથી થોડા સમય બાદ લગ્ન કરવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,ચાર દિવસ પહેલા જ્યારે કાજલ તેમના ઘરે હતી દરમિયાન કાજલએ મોબાઇલ લેવાની જીદ કરી હતી. જેમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. અનુમાન એવું છે કે, માતા તેડી ગયા બાદ કાજલ અને ચેતન ભેગા થયા હશે. લક્ષ્મીબેને ઘરની ચાવી ઘર નજીક આવેલી કારિયાણીની દુકાને આપી હતી. ત્યાંથી ઘરની ચાવી લઈને ઘર ખોલ્યું હતું જે બાદ બંનેએ આપઘાત કર્યો હતો.
