Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધરાળા ગામમાં પતિ-પત્ની ઔર વોનો ચર્ચાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિએ પોતાની પત્નીથી દૂર રહેવા અને તેની સાથેના સબંધો કાપી નાંખવા સમજાવવા જતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ તેના પર હુમલો કર્યો હતો.
ધરાળા ગામમાં રહેતા જેન્તીભાઈ ચાવડા આજથી પાંચ વર્ષ અગાઉ પત્નીને ગામમાં મૂકીને અમદાવાદ પૈસા કમાવવા ગયા હતા. આ દરમિયાન તેમની પત્ની પ્રભાની ગામમાં રહેતા વિનુ ચાવડા સાથે આંખો મળી ગઈ હતી. આ બાબતની જાણ જેન્તીભાઈને થતાં તેમણે વિનુને પત્નીથી દૂર રહેવા સમજાવ્યો હતો. આ સમયે વિનુની માતાએ પણ પણ પોતાનો પુત્ર હવે પ્રભા સાથે કોઈ સબંધ નહીં રાખે તેવી ખાતરી આપી હતી.
આ પણ વાંચો
ગત 14 માર્ચના રોજ જેન્તીભાઈના પુત્રના હાથમાં માતાનો મોબાઈલ આવી ગયો હતો. જેમાં ગેલેરી ચેક કરતાં માતા પ્રભા પોતાના પ્રેમી વિનુ સાથે હોળી રમતી હોય, તેવી તસવીરો જોવા મળી હતી. આથી પુત્રએ આ બાબતે પિતા જેન્તીભાઈને જાણ કરતા તેમણે પત્ની પ્રભાને ઠપકો આપીને પુત્રીના ઘરે રહેવા મોકલી દીધી હતી.
જે બાદ ગઈકાલે રાત્રે જેન્તીભાઈ મોટી ખિલોરીના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી વિનુ મળી આવ્યો હતો. આથી તેમણે વિનુને પત્ની સાથે આડાસબંધ નહીં રાખવાનું કહ્યું હતુ. આ સમયે ઉશ્કેરાયેલા વિનુએ 'હું સબંધ રાખીશ, તારાથી થાય તે કરી લેજે. અમારા બન્ને વચ્ચે આવીશ તો મારી નાંખીશ' કહીને જેન્તીભાઈ પર હુમલો કરી દીધો હતો. આ સમયે જેન્તીભાઈ માંડ-માંડ વિનુની ચુંગાલમાંથી છટકીને જીવ બચાવી ભાગ્યા હતા. આ મામલે જેન્તીભાઈએ સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિનુ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
