Rajkot News: રાજકોટમાં દશેરાના તહેવાર નિમિત્તે યોજાયેલા રાવણ દહન કાર્યક્રમ બાદ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજ્યનું રાજકારણ ટોચ પર પહોંચ્યું છે. ભાવાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને તેમના નામની પાછળ 'ખાન' લગાવવા માટે ટકોર કરી હતી. આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ મેદાનમાં ઉતરી વીએચપી (VHP) પર ગંભીર પ્રહારો કર્યા છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ વળતો જવાબ આપ્યો
ઇન્દ્રનીલ રાજગુરુએ VHP નેતાઓના નિવેદનને ગુંડા ટોળકીનું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નકલી હિન્દુ નેતા જ કોઈ હિન્દુ માટે આવા નિવેદનો કરી શકે છે.vતેમણે સંગઠન પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, આ લોકોનું હિન્દુત્વ ફક્ત રાજકીય સ્વાર્થ પૂરતું સીમિત છે અને આ ટોળકી ઉઘરાણા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ટોળકી ગાયોના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે," જે સંગઠન દ્વારા થતા ફંડના દુરુપયોગ તરફ ઈશારો કરે છે.
કોંગ્રેસ નેતાએ VHPની નીતિઓ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, આ ટોળકી માત્ર અમુક વ્યક્તિઓ પર જ નિશાન કેમ સાધે છે? તેમણે સત્તાધારી પક્ષના નેતાઓના ઉદાહરણો આપીને વીએચપીને ઘેરવાનો પ્રયાસ કર્યો: ઇન્દ્રનીલ રાજગુરુએ ગૌ-રક્ષાના મુદ્દે ભાજપ સરકારની નીતિ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, "હાલ મોદી સરકારમાં સૌથી વધુ ગૌ માંસની નિકાસ થાય છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે: ટોળકી ગાયોના નામે ઉઘરાણાઓ કરે છે પણ જ્યારે નિકાસની વાત આવે છે ત્યારે તેઓ મૌન રહે છે. મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે, જેઓ ગૌ-માંસને અહીંયાથી એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ કેમ કંઈ બોલતી નથી? આ સવાલો દ્વારા તેમણે ગૌ-રક્ષાના મુદ્દે પણ રાજનીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
ધર્મેન્દ્ર ભાવાણીએ ઇન્દ્રનીલ રાજગુરુ પર કર્યા હતા પ્રહાર
ગઈકાલે દશેરા નિમિત્તે ધર્મેન્દ્ર ભાવાણીએ ઇન્દ્રનીલ રાજગુરુ અને જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જો આ નેતાઓને મુસ્લિમોથી પ્રેમ હોય તો તેની પાછળ ખાન લગાવી દે. તેમણે હિન્દુઓને પડકાર આપતા કહ્યું કે, જો તેમનામાં તાકાત હોય તો કાશ્મીર અને મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જઇને ચૂંટણી જીતી બતાવે. 'આઇ લવ મહંમદ'ના પોસ્ટર પર નિવેદન આપતા ભાવાણીએ તેને અઘોષિત યુદ્ધની શરૂઆત ગણાવી હતી.
તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે, મુસ્લિમોએ જો તેના મહંમદને પૂજવા હોય તો મસ્જિદ અને તેના ઘરે પૂજે. લોકોને અડચણરૂપ બની અરાજકતા ફેલાવવાનું બંધ કરે. જો મુસ્લિમો અરાજકતા ફેલાવશે તો લાઠીઓ ખાવા તૈયાર રહે. ગોધરાકાંડ અને ત્યારબાદની સ્થિતિ હજુ ભૂલ્યા નથી. આવી ભૂલ ફરી ન કરતા નહીં તો લાઠીઓ ખાવી પડશે.
