Rajkot News: ઉપલેટાના એક વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી છે. દેહરાદૂનની એક યુવતીએ ઊંચું વળતર આપવાની લાલચ આપીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જેના દ્વારા તેણે વેપારી પાસેથી 79.71 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કેવી રીતે થઈ છેતરપિંડી?
ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં રઘુવિર નામની કમિશન એજન્ટ તરીકે પેઢી ચલાવતા સંજયભાઈ રમણીકભાઈ દઢાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવેમ્બર 2024માં પ્રીતિ ગુપ્તા નામની યુવતીએ ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પ્રીતિએ પોતાની ઓળખ દેહરાદૂનની અને આરવ બુટીક અને કોસ્મેટિક નામનો મોલ ચલાવતી હોવાનું જણાવ્યું હતું.
એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું
બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ અને વાતચીત શરૂ થઈ. પ્રીતિએ સંજયભાઈને સ્માર્ટ વર્ક કરીને પૈસા કમાવવાની સલાહ આપી અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. તેણે કહ્યું કે આ એપ્લિકેશન સોનાની ખાણ જેવી છે, જેમાં રોકાણ કરવાથી સારા પૈસા મળે છે. પ્રીતિએ પોતે પણ રોકાણ કરતી હોવાનું જણાવ્યું હતું, જેનાથી સંજયભાઈને વિશ્વાસ આવી ગયો.
ટેક્સ અને કન્વર્ઝન ફીના નામે વધુ રૂપિયા પડાવ્યા
પ્રીતિએ સંજયભાઈને રોકાણ કરવાની ખાતરી આપી અને કહ્યું કે તેમની પૈસાની જવાબદારી તેની રહેશે. ત્યારબાદ સંજયભાઈએ અલગ અલગ તારીખે કુલ 38 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. જ્યારે નફો ડોલરમાં આવ્યો, ત્યારે પ્રીતિએ ટેક્સ અને કન્વર્ઝન ફી ભરવાનું કહીને 41,71,064 રૂપિયા વધુ પડાવ્યા. આ માટે સંજયભાઈએ પર્સનલ લોન લીધી અને સોનાના ઘરેણાં પર લોન લઈને ટેક્સના પૈસા ચૂકવ્યા.
યુવતીએ ફરિયાદીને બ્લોક કરી દીધા
જ્યારે સંજયભાઈને વળતરના રૂપિયા પાછા ન મળ્યા, ત્યારે તેમણે પ્રીતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રીતિએ તેમને ફેસબુક અને વોટ્સએપ પર બ્લોક કરી દીધા. આ રીતે વેપારી સંજયભાઈ સાથે કુલ 79,71,068 રૂપિયાની છેતરપિંડી થઈ. પોલીસે પ્રીતિ ગુપ્તા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
