Rajkot Toddler Death: રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશિપમાં માવતરે રીસામણે બેઠેલી માતા સાથે રહેતી અઢી વર્ષની બાળકીને છઠ્ઠા માળેથી ફેંકી દઇ હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી સી-વિંગમાં રંઝાડ કરતા અજાણયા શખ્સે બાળકીને ફેંકી દઇ હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે . જ્યારે મૃતક બાળકીના પિતા સહિતના પરિવાર દ્વારા સાસરીયા વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સંતકબીર રોડ પર રાજારામ સોસાયટી પાસે આવેલી શક્તિ સોસાયટીમાં રહેતી અને હાલ કુવાડવા રોડ પર આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશિપમાં રીસામણે બેઠેલી માતા સાથે નાના નાનીના ઘરે રહેતી સ્નેહલ સાકરીયા નામની અઢી વર્ષની બાળકી ગઇકાલે સાંજના સાડા છએક વાગ્યાના અરસામા બિલ્ડિંગમાં ઉપરથી નીચે પટકાતા મોતને ભેટી હતી. આ ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો
પ્રાથમિક તપાસમાં બાળકી છઠ્ઠા માણે આવેલ ચાર ફૂટની પારાપેટ પરથી પટકાઇ હોવાનું સામે આવ્યું હતુ. જો કે અઢી વર્ષની બાળકી ચાર ફૂટની દિવાલ ઉપર ચડી શકે નહીં હોવાથી કોઇએ બાળકીને ઉપાડીને નીચે ઘા કરી મોતની ઘાટ ઉતારી હોવાની પોલીસને શંકા જતાં પોલીસે માસૂમ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પરિવાર અને પાડોશીની પૂછપરછ હાથ ધરી છે.
પોલીની પૂછપરછમાં મૃતક બાળકીના નાના જગદીશભાઈ પરસોડાએ જણાવ્યું કે, મારી દીકરી પૂનમ સંત કબીર રોડ રાજારામ સોસાયટી પાસે શક્તિ સોસાયટીમાં સાસરીયુ ધરાવે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ સાકરીયા સાથે થયા છે, જે ડ્રાઇવિંગ કરે છે. જેમને સંતાનમાં અઢી વર્ષની દીકરી સ્નેહલ હતી.
મારી દિકરી પૂનમ અને જમાઈ સંજય વચ્ચે મનમેળ ન હોઇ જેથી તે એક વર્ષથી મારા ઘરે શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં મારી સાથે રહેતી હતી. મારી દોહિત્રી સ્નેહલ અમારા ઉપરના માળે રહેતાં પરિવારમાં એક બીજી નાની દીકરી રહેતી હોવાથી અવાર-નવાર તેની સાથે રમવા માટે પાંચમા માળેથી છઠ્ઠા માળે જતી હતી.
ગઇકાલે સંધ્યા ટાણે સ્નેહલ અમારા ઘરમાંથી ઉપરના માળે રમવા જવા માટે નીકળી હતી. એ પછી થોડી જ મિનિટો બાદ એક બાળક સ્નેહલ નીચે પડી ગઇ એવું કહેવા આવ્યો હતો. અમે દોટ મુકી છઠ્ઠા માળ તરફ ગયા ત્યારે ખબર પડી હતી કે, સ્નેહલ દાદરા પર નથી પડી પરંતુ તે પાંચમા માળેથી નીચે ફેંકાઇ ગઇ છે.
ચાર ફૂટથી વધુ ઉંચાઇની દિવાલની પાળી સુધી આવડી નાનકડી બાળકી કોઇપણ સંજોગામાં પહોંચી શકે નહિ. આ જોતાં બાળકીને કોઇએ નીચે ફેંકી દીધાની અમને દ્રઢ શંકા છે. પોલીસે પણ ઘટના સ્થળનું પરિક્ષણ કરતાં તેમને પણ ઘટના હત્યાની હોવાનું લાગ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળ કાર્યવાહી થશે.
અજાણ્યા મનોવિકૃત શખ્સ સામે શંકા વ્યકત કરતા બાળકીના નાના
બાળકીના નાના જગદીશભાઇ પરસોડાએ જણાવ્યું કે, અમારા પાંચમા માળના ફલેટના રહેવાસીઓ સાથે છેલ્લા ત્રણ દિવસથી કોઇ અજીબ હરકતો કરી રહ્યું છે. અહિં અમારા કપડા કે ચાદર, ગોદડા બહાર સૂકવ્યા હોય તો તે લઇને કોઇ નીચે અથવા પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દે છે. ચપ્પલ બહાર હોય તો એ પણ ફેંકી દે છે. આવુ કરીને કોઇ વિકૃત આનંદ મેળવી રહ્યું હોઇ તેવુ લાગે છે.
સાંજે સાતેક વાગ્યે મારી દોહિત્રી ઉપરના માળે રમવા માટે જવા નીકળી તે પહેલા જ બાજુવાળા વર્ષાબેન બ્રાહ્મણના ફુલછોડના બે કુંડા કોઇએ નીચે ફેંકી દીધા હતાં. કદાચ મારી માસુમ દોહિત્રી આ કુંડા ફેંકનારા શખ્સને જોઇ ગઇ હોય જેના કારણે મારી દોહિત્રીને ફેંકી દીધાની શંકા નકારી શકાતી નથી.
પાંચમાં માળે મનોવિકૃત શખ્સની રંજાડના કારણે અમે અમારા ફલેટના દરવાજા બહાર કેમેરા ફીટ કરવાનું નક્કી કર્યુ હતું. ગઇકાલે જ મેં મારા દિકરાને કહી કેમેરા પણ મંગાવી લીધા હતા. આજે ફીટ કરવામાં આવે એ પહેલા જ મારી દોહિત્રી સાથે આ ઘટના બની હોવાનું જાણવ્યુ હતું.
