Rajkot: પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતો સગીર યુવતીના નામના ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરતો હતો. જે યુવતીના ફેક આઈ.ડી.પરથી સગીરને રાજકોટ મળવા બોલાવવામાં આવ્યો હતો. સગીર તેના મિત્રને લઈને રાજકોટ મળવા માટે આવ્યો હતો, ત્યારે 10 શખ્સોએ યુવકનું 7 કલાક સુધી બાઈકમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવી માર માર્યો હતો અને યુવકનો મોબાઈલ પડાવી 10 હજારની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીના ન્યારા ગામે રહેતા આર્યન નામનો 17 વર્ષનો સગીર ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટમાં આવેલ માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે હતો. આ સમયે 10 થી 15 જેટલા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી સગીરને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં આર્યન ઈન્સ્ટાગ્રામમાં યુવતીના નામના ફેક આઈ.ડી.પર વાતો કરતો હતો. યુવતીના ફેક આઈ.ડી.પરથી આર્યનને રાજકોટ મળવા માટે બોલાવ્યો હતો. આર્યન પોતાના મિત્ર આર્યનને લઈને રાજકોટ માધાપર ખાતે પહોંચ્યો હતો, ત્યારે ચાર શખ્સો ત્યાં ઉભા હતાં. જેમાં આર્યનને માર મારતાં તેનો મિત્ર ભાગી ગયો હતો. જે બાદ આર્યનને બાઈકમાં બેસાડી ચારેય શખ્સોએ જુદા જુદા સ્થળે લઈ જઈ પોતાના સાગરિતોને ફોન કરી બોલાવ્યા હતાં.
જ્યાં 10 થી 15 જેટલા શખ્સોએ આર્યન ખેતરીયાનું 7 કલાક સુધી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવી માર માર્યો હતો અને અંતે ઈજાગ્રસ્ત આર્યનને ન્યારા ગામે છોડી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
