Rajkot Accident: રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રન, કાળમુખા ટ્રકની ટક્કરે ધો.11ના વિદ્યાર્થીનું મોત

મિલન સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ખાટુ શ્યામ મંદિર નજીક ટ્રકે તેના મોપેડને ઉલાળ્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Jun 2026 10:35 PM (IST)Updated: Sat, 13 Jun 2026 10:35 PM (IST)
rajkot-news-student-killed-in-hit-and-run-on-jamnagar-road

નરેન્દ્ર આહીર, Rajkot Hit And Run: શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિર પાસે હિટ એન્ડ રન ઘટના સામે આવી હતી. રેલનગરમાં રહેતો ધો.11નો છાત્ર સ્કૂલેથી ઘરે જતો હતો, ત્યારે અજાણયો ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા છાત્રનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રેલનગરમાં આવેલા ક્રિષ્ના બંગ્લોઝ-3માં રહેતો અને ઘંટેશ્વર પાસે આવેલી કિસ્ટલ સ્કૂલમાં ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતો મિલન અખિલેશભાઇ મોરીયા (ઉ.વ.16)નામનો છાત્ર આજે બપોરે 1.30 વાગ્યાના અરસામાં સ્કૂલેથી છૂટીને મોપેડ લઇ ઘરે આવતો હતો.

આ સમયે જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિર નજીક પહોંચતા પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે મોપેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાશી છૂટ્યો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિલકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ટૂંકી સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક મિલન એક બહેનનો એકનો એક નાનો ભાઇ હોવાનુ અને તેના પિતા એલ્યુમિનિયમ સેકેશનનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યુ છે. સગીર પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.