VIDEO: પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરી, પોલીસે પાઠ ભણાવતા બે હાથ જોડી બોલ્યો- 'ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય'

ઘટનાનો વીડિયો વાયરલ થતાં ટોલ પ્લાઝાના કર્મચારીએ પોલીસમાં અરજી આપતા પોલીસે ગણતરીના કલાકોમાં અશોક કોળીને ઝડપી પાડ્યો. જે શેઠની ગાડી લઈને નીકળી રોફ જમાવતો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Sep 2025 06:42 PM (IST)Updated: Sun, 14 Sep 2025 06:43 PM (IST)
rajkot-news-rural-police-teach-lesson-car-driver-who-break-barrier-pithadia-toll-plaza
HIGHLIGHTS
  • 'ગવર્મેન્ટ ઑફ ગુજરાત' લખેલી ઈનોવા કારનો ચાલક બેરિયર તોડીને ભાગ્યો હતો

Rajkot: વીરપુર નજીક આવેલા પીઠડિયા ટોલપ્લાઝા પર દાદાગીરી કરી બેરિયર તોડીને નાસી છૂટેલા ઇનોવા કારચાલકને રાજકોટ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવવા માટે માફી મગાવતો વીડિયો પણ શૂટ કરાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગત 10 સપ્ટેમ્બરના રોજ GJ-18-BJ-3737 નંબરની એક ઇનોવા કાર પીઠડિયા ટોલપ્લાઝા પર પહોંચી હતી. આ કાર પર 'ગવર્મેન્ટ ઓફ ગુજરાત' લખેલું હતું. કારચાલકે ટોલ ટેક્સ ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે ટોલકર્મી સાથે દાદાગીરી કરી બેરિયર તોડીને ભાગી છૂટ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા ટોલપ્લાઝાના કર્મચારીઓ દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ કારનો ડ્રાઇવર ગોંડલનો અશોક કોળી હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસે તેને કાયદાનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું અને એક વીડિયો પણ શૂટ કરાવ્યો હતો.

આ વીડિયોમાં અશોક કોળી બે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતા જણાવે છે કે, તેણે પોતાના શેઠની ગાડી લઈને રોફ જમાવ્યો હતો. તે ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહિ કરે તેવી ખાતરી પણ આપે છે.