Rajkot: રાજકોટમાં માતબર વળતરની લાલચ આપી રોકાણકારો સાથે રૂ.200 કરોડની છેતરપિંડી આચરનાર અમિત ભાણવડિયા અને વિજય માકડિયા સામે ક્રાઈમ બ્રાન્ચે સકંજો કસ્યો છે. આ મહાકૌભાંડમાં ભોગ બનનાર રોકાણકારોના નાણાં પરત મેળવવા માટે પોલીસ હવે આરોપીઓની અંદાજે 15 જેટલી સ્થાવર-જંગમ મિલકતો જપ્ત (ટાંચમાં લેવા) કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.
300થી વધુ રોકાણકારો શિકાર, 200 કરોડનો આંકડો વટાવવાની શક્યતા
આ ટોળકીએ જાણીતી પેઢી ‘વડાલિયા ફૂડ્સ’ના માલિક દર્શનભાઈ વડાલિયા સહિત અનેક અગ્રણીઓને 12 ટકા વળતરની લાલચ આપી જાળમાં ફસાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી 70 થી 80 રોકાણકારો સામે આવ્યા છે, પરંતુ પોલીસને આશંકા છે કે, ભોગ બનનારનો આંકડો 300થી વધુ છે અને કૌભાંડની રકમ રૂ.200 કરોડથી પણ ઉપર જઈ શકે તેમ છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસના ભાગરૂપે આરોપીઓની 15 મિલકતો ઓળખી કાઢી છે. આ મિલકતો અન્ય કોઈના નામે ટ્રાન્સફર ન થાય તે માટે સબ-રજિસ્ટ્રાર કચેરીને લેખિત જાણ કરી દેવામાં આવી છે. આ અંગેનો વિગતવાર રિપોર્ટ ગૃહ વિભાગને મોકલવામાં આવશે, જેથી આ મિલકતો સીલ કરી ભવિષ્યમાં તેની હરાજી દ્વારા રોકાણકારોના નાણાં ભરપાઈ કરી શકાય.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓએ રોકાણકારોના નાણાંનો દુરુપયોગ કર્યો હતો. આ નાણાંમાથી વર્ષ 2020માં રૈયા વિસ્તારમાં રૂ.30 કરોડની વિવાદિત સૂચિત જમીન ખરીદી હતી, જે પાછળથી ‘શ્રીસરકાર’ (સરકારી હસ્તક) થઈ ગઈ હતી. આ સિવાય મોટામવા વિસ્તારમાં પણ રૂ.10 કરોડનું આંધણ જમીન પાછળ કર્યું હતું. આટલું જ નહીં, આરોપી અમિત ભાણવડિયા રૂ.3 કરોડ અને વિજય માકડિયા રૂ.5 કરોડ મળી કુલ રૂ.8 કરોડ સટ્ટાબજારમાં હારી ગયા હોવાનું સામે આવ્યું છે.
હાલ તો DCP જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ PI ચિરાગ જાદવ અને તેમની ટીમ આ જટિલ કેસની તપાસ કરી રહી છે. બેંકિંગ વ્યવહારોની ઊંડી તપાસ માટે ખાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને સબ-રજિસ્ટ્રારની ટીમોની મદદ લેવામાં આવી રહી છે. ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા વસાવેલી મિલકતોને ટાંચમાં લેવા માટે સીઆઈડી ક્રાઈમ મારફત ગૃહ વિભાગને રિપોર્ટ સોંપવાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
