Rajkot: રાજકોટ શહેરના ધરમ સિનેમા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ જતી રિક્ષાએ સ્કૂટરને ઠોકર મારતા નીચે પટકાયેલા પોલીસ કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કુવાડવા રોડ પર આવેલા પટેલનગર શેરી નં. 3માં રહેતો અને તાજેતરમાં જ પોલીસદળમાં ભરતી થયેલો કેયુરભાઈ શૈલેષભાઈ રામાણી (પટેલ) આજે સવારે પાંચેક વાગ્યે પોતાના સ્કૂટર પર ટ્રેનિંગ માટે જઈ રહ્યો હતો.
આ દરમિયાન જવાહર રોડ પર આવેલા આર. વર્લ્ડ સિનેમા નજીક પૂરઝડપે આવી રહેલા એક રિક્ષાચાલકે તેના સ્કૂટરને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં કેયુરભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ અવસાન થયું હતું.
આ પણ વાંચો
પ્રાથમિક પૂછપરછમાં મૃતક કેયુરભાઈ તાજેતરમાં જ પોલીસ વિભાગમાં જોડાયા હતા અને હાલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. તેમની મવડી હેડક્વાર્ટર ખાતે છેલ્લા ચાર મહિનાથી ટ્રેનિંગ ચાલુ હતી અને રોજની જેમ આજે સવારે પણ તેઓ ટ્રેનિંગ માટે જ ઘરથી નીકળ્યા હતા, ત્યારે જ આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.
પરિવારની વાત કરીએ તો, કેયુર બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેના પિતા જ્યુબિલિબાગ વિસ્તારમાં શાકભાજીનો થડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારના યુવાન અને હોનહાર દિલ દીકરાના અચાનક અવસાનથી સમગ્ર પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે.
આ દુર્ઘટના બાદ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે, ઇજાગ્રસ્ત કેયુરભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે તબીબો દ્વારા સારવાર કરવામાં ઘણો વિલંબ કરવામાં આવ્યો હતો. સમયસર યોગ્ય સારવાર ન મળવાને કારણે જ તેમને બાદમાં ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આ સમગ્ર ગમખ્વાર ઘટના અંગે પ્ર. નગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગુનો નોંધીને ફરાર રિક્ષાચાલકને ઝડપી પાડવા અને આ મામલે કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.
