Rajkot: શાંત અને સલામત ગણાતા રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે બનેલી ઘટનાથી પોલીસ ઉપર કાળી તીલી લાગતા અટકી ગઈ છે. આ ઘટના બાદ રાજકોટ શહેરની શાંત અને સલામતની છાપ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. હકીકતમાં થર્ટી ફર્સ્ટની રાત્રે પોતાની વાગ્દત્તા સાથે હોટલ સિઝન્સમાં આઈસ્ક્રીમ ખાવા ગયેલા કોન્ટ્રાક્ટર અને તેની ફિયોન્સીની કારને આંતરી પોલીસના નામે ચાર લુખાઓએ પોણો કલાક સુધી હેવાનિયત આચરી રૂપિયા પડાવવા માટેનો કારસો રચ્યો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોધાતા શહેરભરની આઠ પોલીસની અલગ અલગ 50 ટીમોએ રાતભર તપાસ કરી અને 30 જેટલા નસેડીઓ અને લુખ્ખાઓની ઓળખ પરેડ કરાવીને અંતે નકલી પોલીસનો સ્વાંગ રચીને લૂંટ ચલાવી ખંડણી માંગી અને અપહરણના ગુનામાં સંડોવાયેલા ચાર નરાધમોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
કાલાવડ રોડ ઉપર એક વિસ્તારમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં થર્ટી ફર્સ્ટની રાત્રે તેની સાથે બનેલી ઘટનાની આપવીતી પોલીસ સમક્ષ વર્ણવી હતી. જેમાં પિતા સાથે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલો 24 વર્ષનો યુવાન પોતાની ફિઆન્સે સાથે થર્ટીફર્સ્ટની રાત્રે કાલાવડ રોડ ઉપર સાઈઝ ઝીરો હોટલે ગયો હતો, ત્યાંથી જમવા માટે હરીપરના પાટિયા પાસે ફોનિક્સ હોટલે ગયા બાદ મોડી રાત્રે આઈસ્ક્રીમ ખાવા માટે અવધ રોડ ઉપર આવેલ સિઝન હોટલે ગયા હતા.
જો કે ત્યાં થર્ ટીફર્સ્ટ ડિસેમ્બરના કારણે ટ્રાફિક વધુ હોય પોતાની વરના કાર લઈને હોટલેથી ઘર તરફ જવા નીકળ્યા, ત્યારે આશરે એક વાગ્યાના આસપાસ સિઝન્સ હોટલની બહાર સર્કલ પાસે ગાડી ઉભી રાખી ફિઆન્સે સાથે વાત કરતો હતો. આ સમયે પાછળથી આવેલી એક વરના કાર તેમની પાસે આવીને ઉભી રહી હતી અને તેમાંથી બે વ્યક્તિઓ નીચે ઉતર્યા જેમાંના એક શખ્સે ગાડીનો કાચ ખખડાવતા યુવકે ગાડીનો કાચ ખોલતા જ કારની ચાવી આ શખ્સે કાઢી લીધી હતી. જમણીબાજુના દરવાજે ઉભેલ વ્યક્તિએ યુવકે તમે અહીંયા શું કરો છો? અમારી ગાડીમાં મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ છે બહાર આવીને સાહેબને મળી લો આવી ધમકી આપી હતી.
કોન્ટ્રાક્ટરે ગાડીની બહાર આવવાની ના પાડી ચાવી પરત માંગતા આ બન્ને શખ્સોએ ઝપાઝપી કરી હતી અને આ બન્ને વક્તિઓ કારની પાછળની સીટમાં બેસી ગયા હતા અને ચાવી આપી કાર આગળ ચલાવવું કહ્યું હતું. વરના કાર કે જેમાં મુંજકા પોલીસ હોવાનું જણાવ્યું હતું, તે કાર પાછળ પાછળ આવતી હતી. સિઝન્સ હોટલથી થોડે દૂર પાછળ આવતી કારે ઓવરટેક કરી ડાબી તરફ કાચા રસ્તે કાર હંકારી, ત્યારે આ યુવકે વરના કારના નંબર જોઈ લીધા હોય જે નંબર જીજે 3 સીઈ 5537 હતાં.
થોડેદૂર કારમાં બેઠેલા બન્નેએ ગાડી રોકાવી હતી અને ત્યાર બાદ એક શખ્સે દરવાજો ખોલી આગળની સીટ ઉપર બેઠેલી તેની ફિઆન્સેના મોઢા ઉપર મુક્કો મારી અને તમાચા ઝીંકી દીધા હતાં અને ખિસ્સામાંથી રૂા. 1700ની લૂંટ કરી યુવકના પિતાને ફોન કરાવી ફિઆન્સેને જાનથી મારી નાખવા ધમકી આપી વધુ રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યું હતું. જો કે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરના પિતા અને યુવતિના પિતાને શંકા જતાં તેઓએ કરેલા ફોન બાદ આ ટોળકી ભાગી છૂટી હતી.
પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે, નશો કરવા માટે રૂપિયા પડાવવાની શિકારની શોધમાં આ ચારેય લુખ્ખાઓ આ વિસ્તારમાં આંટાફેરા કરતા હતાં, ત્યારે જ સિઝન હોટલના નજીક આ કપલ કારમાં બેઠું હોય તે જપટે ચડી ગયું હતું અને નશાની હાલતમાં જ આ કાંડ કર્યુ હતું.
પોલીસના નામે દમ દાટી મારીને અવાવરુ સ્થળે લઈ જઈ પોણો કલાક સુધી આ કપલને બાનમાં લઈને હેવાનિયત આચરી હતી આ મામલે યુનિવર્સિટી પોલીસે લુંટ, ખંડણી, અપહરણ, અને છેડતીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પકડાયેલા ચારેયનો ગુનાહિત ઈતિહાસ, હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા
નકલી પોલીસ બનીને અવધ પાસે યુવકને અને તેની ફિઆન્સેને ગોંધી રાખી અપહરણ કરી લૂંટ ચલાવી યુવતિની છેડતી કરનાર બે સગાભાઈઓ સહિત ચારેયને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધા હતાં.
પોલીસની તપાસ દરમિયાન આ ચારેય લુખ્ખાઓનો ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ વિપુલ લાભુ મેતા વિરુદ્ધ હત્યા, અપહરણ અને મારામારી સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે. જ્યારે અલ્પેશ નરેશ મકવાણા સામે ચોરી, દારૂ, મારામારી સહિતના રાજકોટ તેમજ ગોંડલમાં 10 જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશ પાસા હેઠળ જેલમાં પણ જઈ ચૂક્યો છે. જ્યારે પકડાયેલા બન્ને સગાભાઈઓ પરિમલ અને વિજય પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પરિમલ સોલંકી સામે રાજકોટ તેમજ મોરબીમાં ચોરી, મારમારી, પ્રોહિબીશન સહિતના સાત ગુના જ્યારે વિજય સામે પણ ચોરી, મારામારી સહિતના સાત ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આ છોકરો તારું પ્રોટેકશન શું કરશે? તું અમારી સાથે ચાલ: નરાધમોની યુવતી સમક્ષ શેખી
રાજકોટ શહેરની ભાગોળે એક ગંભીર ઘટના બની હતી. જેમા કાલાવડ રોડ પર સિઝન હોટલ પાસેથી એક કપલને અટકાવી 4 શખ્સોએ પોલીસની ઓળખ આપી ખંડણી માગી હતી. તેમજ યુવતીનુ અપહરણ કરી 4 શખ્સો અવાવરૂ સ્થળે લઇ ગયા હતા અને તેમાથી એક શખ્સે યુવતીને કહયુ કે, તું આવા છોકરા સાથે શું કામ ફરે છે ? આ તારૂં પ્રોટેકશન શું કરશે ? તુ અમારી સાથે ચાલ. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને ત્યારબાદ આ ચાર નરાધમોએ યુવતી સાથે અડપલાં કરવાનુ ચાલુ રાખ્યુ હતુ.
