Rajkot: કાલાવડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં દારૂની પાર્ટી પર LCBના દરોડા, 33 મહિલાઓ અને 43 પુરુષો ઝડપાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં બર્થડે પાર્ટી દરમિયાન કથિત દારૂની મહેફિલની માહિતી મળતાં LCB ઝોન-2એ દરોડો પાડ્યો. 33 મહિલાઓ અને 43 પુરુષો પકડાયા હોવાનું સામે આવ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 07:36 AM (IST)Updated: Sun, 01 Nov 2026 07:36 AM (IST)
rajkot-saraza-hotel-lcb-raid-liquor-party-76-people

Rajkot LCB Raid: રાજકોટ શહેરના કાલાવડ રોડ પર પ્રસિદ્ધ અને જાણીતી સરાઝા હોટલ ખાતે બર્થડે પાર્ટીની આડમાં દારુની ભવ્ય મહેફિલ યોજાઈ હતી. જે ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં ભારે ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર આ હાઈપ્રોફાઈલ પાર્ટીનો કથિત વીડિયો વાયરલ થતાંની સાથે જ રાજકોટ એલસીબી ઝોન 2ની ટીમે તાત્કાલિક હોટલ પર દરોડો પાડી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

બર્થડે પાર્ટીમાં 76 લોકોની હાજરી

મળતી માહિતી પ્રમાણે, આ વિશેષ દારુ પાર્ટીનું આયોજન ચિરાગ પટેલ નામના વ્યક્તિના જન્મદિવસની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો મળીને કુલ 76 લોકો હાજર હોવાનું સામે આવ્યું છે. પાર્ટીના સ્થળેથી વિદેશી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાની આશંકા વચ્ચે પોલીસે તમામ ઉપસ્થિત લોકોની પૂછપરછ હાથ ધરી છે.

50થી વધુ ઉદ્યોગપતિઓ હાજર હોવાની ચર્ચા

આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં રાજકોટ તેમજ મોરબીના 50થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને મોટા વેપારીઓ હાજર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વધુમાં, આ આયોજનનું સીધું જોડાણ જાણીતા 'ડેકોરા ગ્રુપ' સાથે હોવાનો પણ દાવો સામે આવી રહ્યો છે. પોલીસની ઓચિંતી એન્ટ્રી થતાં જ હોટલના હોલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી

હાલમાં રાજકોટ એલસીબી ઝોન-2 ની ટીમ દ્વારા હોટલના સીસીટીવી ફુટેજ કબજે કરીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યો, કોની પરવાનગીથી મહેફિલ ચાલી રહી હતી અને તેમાં કયા મોટા નામો સામેલ છે તે અંગે પોલીસ ટૂંક સમયમાં સત્તાવાર ખુલાસો કરી શકે છે.