Rajkot: રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલી રહેલી ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશની (SIR) કામગીરીમાં શિક્ષકોને વધુ પડતા જોડવામાં આવતા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
મહાસંઘે દાવો કર્યો છે કે, બીમાર કે દૂર રહેતા શિક્ષકો હાજર થવામાં મોડું કરે તો, તેમની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ નિંદનીય છે.
રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, શિક્ષણનું મુખ્ય કાર્ય બાજુ પર મૂકીને દર વર્ષે શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે છે. આ વખતે પણ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં શિક્ષકોને BLO અને સહાયક BLO તરીકે ફરજ સોંપવામાં આવી છે. શિક્ષકો સતત આ કામગીરીમાં વ્યસ્ત રહેવાના કારણે શાળા કક્ષાએ શિક્ષણ સદંતર થતું નથી અને બાળકોના ભણતરને ખૂબ જ ગંભીર અસર થાય છે.
અગાઉ માત્ર 8 થી 10 રવિવાર જ આ કામગીરી રહેતી હતી, પરંતુ હવે ઓનલાઈન કામગીરીના નામે ચૂંટણી અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા તમામ જવાબદારી શિક્ષકો ઉપર નાખી દેવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા સુધી બહેનો કામ કરે છે, જેનાથી શિક્ષકો અને તેમના પરિવારજનોને મુશ્કેલી પડે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, શિક્ષકો કોઈ વખત બીમાર હોય કે અન્ય કોઈ કારણ હોય તો પણ તેમના પર દબાણ કરવામાં આવે છે. દિવાળી વેકેશનમાં વતનમાં ગયેલા શિક્ષકોને તાત્કાલિક હાજર થવાની સૂચના અપાઈ અને જે શિક્ષકોને મોડું થયું, તેમને ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
મહાસંઘે આ અંગે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કલેક્ટર, મામલતદાર અને પ્રાંત અધિકારી એક સમયે પોતે વિદ્યાર્થીઓ હતા અને તેમના પણ શિક્ષકો હતા. જો શિક્ષકો સામે આ પ્રકારના ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવે, તો વિદ્યાર્થીઓ સામે તેઓનું શું મહત્વ રહે તે સમજી શકાય તેવી બાબત છે.
મહાસંઘે રાષ્ટ્રહિતમાં ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે
૧. જો દર વર્ષે આ કામગીરી થતી હોય તો BLO ની અલગથી કેડર નીમવામાં આવે.
૨. શિક્ષકોને આ BLO ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે.
૩. હાજર થવામાં મોડું કરનાર શિક્ષકો સામે ધરપકડ વોરંટની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે.
