Rajkot: શહેરની નવયુગ શાળા દ્વારા યોજાયેલા પ્રવાસ દરમિયાન વિદ્યાર્થી હાર્દિક બારૈયાના શંકાસ્પદ અને અકાળે થયેલા અવસાનથી સમગ્ર શહેરમાં ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મૃતક વિદ્યાર્થીના માતા-પિતાએ મીડિયા સમક્ષ પોતાનું હૈયાફાટ રુદન ઠાલવતા શાળા પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
પુત્ર ગુમાવનાર માતા-પિતાએ શોકમગ્ન અવસ્થામાં જણાવ્યું હતું કે, "અમે અમારા દીકરાને હોંશે-હોંશે પ્રવાસમાં મોકલ્યો હતો. અમને કલ્પના પણ નહોતી કે, તે ક્યારેય પાછો નહીં આવે. શાળાના સંચાલકો અને શિક્ષકોની બેદરકારીને કારણે આજે અમારો દીકરો જીવતો નથી. આવી શાળાઓનું લાયસન્સ તાત્કાલિક રદ કરવું જોઈએ જેથી બીજા કોઈ મા-બાપનો દીકરો ન છીનવાય.
કોળી સમાજ મેદાને: ઉપવાસ આંદોલનની ચીમકી
હાર્દિક બારૈયાના મોતના મામલે હવે સામાજિક રોષ પણ જોવા મળી રહ્યો છે. કોળી સમાજ દ્વારા આ મામલે મૃતક પરિવારને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, આગામી દિવસોમાં પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે. જો શાળા સંચાલકો અને જવાબદાર શિક્ષકો સામે કડક કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર કોળી સમાજ ઉપવાસ આંદોલન પર ઉતરશે.
