Rajkot: પારેવડી ચોક નજીક ગાંડાએ લાકડી લઈને રાહદારીઓને ફટકાર્યા, ઉશ્કેરાયેલા ટોળાએ પકડીને ધબેડી નાંખ્યો

માનસિક અસ્થિર યુવક મહિલા પોલીસને પણ મારવા પાછળ દોડ્યો. ગાંડાની ધમાલને પગલે ટ્રાફિક જામ થઈ ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 14 Aug 2025 06:24 PM (IST)Updated: Thu, 14 Aug 2025 06:24 PM (IST)
rajkot-news-mentally-ill-man-high-waltage-drama-on-parewadi-chowk
HIGHLIGHTS
  • સામા કાંઠે કુવાડવા રોડ પર બઘડાટી બોલી
  • પોલીસે માંડ કાબુમાં લઈ ગાંડાને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો

Rajkot: પારેવડી ચોકમાં માનસિક અસ્થિર યુવાને રસ્તે જતા રાહદારીઓને લાકડી વડે લમધાર્યા બાદ ત્યાં ટોળુ એકઠું થઇ ગયુ હતુ. આખરે વિફરેલા ટાળાએ માનસિક અસ્થિર યુવાનને બેફામ માર મારી લોહીલુહાણ કરી મુકયો હતો. જે બાદમાં પોલીસ આવી જતા આ યુવાનને દોરડાથી બાંધી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

ગઇકાલે સાંજનાં સમયે પારેવડી ચોક પાસે આવેલી દરગાહ નજીક એક ગાંડાએ રસ્તે જતા રાહદારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેણે 4 થી પ વ્યકિતઓને માર માર્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થતી એક મહિલા પોલીસને મારવા ગાંડો યુવક તેની પાછળ પડ્યો હતો. જેથી મહિલા પોલીસ પણ પોતાનો જીવ બચાવી દોડી હતી અને તરંત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો.

જો કે પોલીસ આવે તે પહેલા ઉશ્કેરાયેલા ટોળાએ યુવકને બેરહેમીથી ફટકારીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. જે બાદ કોર્પોરેટર દિલીપ લુણાગરીયા અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આખરે પોલીસે લોકોની મદદથી માનસિક અસ્થિર યુવકને દોરડાથી બાંધી પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી.