Bunny Gajera Arrest: ગોંડલ તાલુકા પોલીસ દ્વારા નૈનિતાલથી યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ કરાઈ હતી. આ પછી રાજકોટ ભાજપના યુવા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ તેની સામે 10 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે. ત્યારે ગુજરાતી જાગરણની ટીમે અપ્લેશ ઢોલરિયાના વકીલ નિરંજય ભંડેરી સાથે વાતચીત કરી હતી.
અલ્પેશ ઢોલરિયાના વકીલ નિરંજય ભંડેરીએ જણાવ્યું કે, બંની ગજેરાની જે યુટ્યુબ ચેનલનો અભ્યાસ કર્યો હતો. જેમાં મોટાભાગના વીડિયોમાં અલ્પેશભાઈની બદનક્ષી થાય એવા શબ્દો બન્ની ગજેરા દ્વારા બોલવામાં આવ્યા હતા. અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું મને કીધું કે, આપણે આની સામે સીધા આપણે લીગલ એક્શન નથી લેવા. આપણે આને એક વખત ચેતવણી આપવી છે. રાહુલભાઈ ગાંધીએ એ જે કેસમાં શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું એના કરતાં પણ ખરાબ શબ્દોનું ઉચ્ચારણ અલ્પેશભાઈ ઢોલરિયા વિશે બન્ની ગજેરાએ કરેલું છે.
જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને અલ્પેશભાઈની બદનક્ષી થઈ છે એવા વીડિયો ડિલિટ કરી દે, માફી માંગી લે અને ફરીવાર આવું કૃત્ય ના કરે એની બાંહેધરી આપે તો અલ્પેશભાઈ આગળ વધવા માંગતા નથી. જો બન્ની ગજેરા 10 કરોડની બદનક્ષીનો દાવો અવગણે અને જવાબ નહીં આપે તો સીધી દાખલ થશે. આ ગુનામાં દોષી જાહેર થાય તો બે વર્ષની સજાની જોગવાઈ છે અને સમાજ સેવાની પણ જોગવાઈ છે.
