Naresh Patel: નરેશ પટેલને બદનામ કરતી ઓડિયો ક્લિપ વાયરલ, ખોડલધામ પ્રવક્તાએ કહ્યું- જો આ AI આધારિત હોય તો જીગિષા પટેલે ફરિયાદ કરવી જોઇએ

જિગીષા પટેલના એ નિવેદન અંગે કે આ AI દ્વારા બનાવવામાં આવેલી ઓડિયો ક્લિપ છે, લુણાગરીયાએ સૂચન કર્યું હતું કે, જો આવું હોય તો જિગીષા પટેલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Jun 2025 04:29 PM (IST)Updated: Mon, 02 Jun 2025 04:29 PM (IST)
rajkot-news-audio-clip-targeting-naresh-patel-goes-viral-khodaldham-demands-action

Naresh Patel Audio Clip: તાજેતરમાં બન્ની ગજેરા(ભાવિન ગજેરા) અને જીગિષા પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. આ ઓડિયો ક્લિપમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંગે વાતચીત કરવામાં આવે છે. આ ઓડિયો ક્લિપ ફરતી થયા બાદ જીગિષા પટેલે એઆઇ આધારિત ક્લિપ હોવાનું કહ્યું હતું. સમગ્ર મામલે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુમાગરીયાએ જણાવ્યું છેકે, આ એક નિંદનીય છે. જો આ AI આધારિત હોય તો જીગિષા પટેલે ફરિયાદ કરવી જોઇએ.

પાટીદાર અગ્રણી નરેશ પટેલને બદનામ કરવાના મામલે બન્ની ગજેરા અને જિગીષા પટેલની કથિત સંડોવણી અંગે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સમાજ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવાનો આ હીન પ્રયાસ છે.

લુણાગરીયાએ ઉમેર્યું હતું કે, બન્ની ગજેરા અને જિગીષા પટેલની ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ખોડલધામ સાથે જોડાયેલા અનેક યુવાનોના ફોન આવ્યા હતા. આ ઉપરાંત, પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ.

જિગીષા પટેલના એ નિવેદન અંગે કે આ AI દ્વારા બનાવવામાં આવેલી ઓડિયો ક્લિપ છે, લુણાગરીયાએ સૂચન કર્યું હતું કે, જો આવું હોય તો જિગીષા પટેલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. તેમણે કહ્યું કે, જો જિગીષા પટેલ પોતે પણ આમાં બદનામ થાય છે, તો તેમને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જેના કારણે ખરેખર આ ઓડિયો ક્લિપ કોના દ્વારા અને કયા કારણોસર વાયરલ કરવામાં આવી છે, તે સામે આવી શકે છે. આ સમગ્ર ઘટનાને લઈ રાજકોટ સહિત પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જાગી છે.