Rajkot: ગોંડલમાં રાજકીય ધમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ગઈકાલે રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિયુષ રાદડિયાના ખબરઅંતર પૂછવા ગયેલા પાટીદાર અગ્રણી જીગીશા પટેલે પોલીસ પર સનસનીખેજ આક્ષેપ કર્યાં હતા. જે બાદ આજે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પણ ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
હકીકતમાં બન્ની ગજેરા પર નોંધાયેલા ગુનામાં નિવેદન આપવા માટે પાટીદાર અગ્રણી પિયુષ રાદડિયાની સાથે જીગીશા પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જેતપુર તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં બન્ની ગજેરાની મદદગારી મામલે પિયુષ રાદડિયાને નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.
જો કે પિયુષ રાદડિયા જેતપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યા, ત્યારે તેમનું નિવેદન નોંધવાની જગ્યાએ સિવિલ લઈ જવા જણાવ્યું હતુ. આ તકે પિયુષ રાદડિયાએ પોલીસ અને ભાજપના આગેવાનો પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક આકાઓ નીચે કામ કરી રહ્યાં છે. મને ખોટા અને ગંભીર ગુનાઓ દાખલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે ગોંડલ તાલુકા PI પર કેમિકલયુક્ત પાણી પીવડાવીને ટોર્ચર કરવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ પિયુષ રાદડિયા સાથે આવેલા જીગીશા પટેલે પણ પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. જીગીશા પટેલે જણાવ્યું કે, પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે? પિયુષ રાદડિયા નિવેદન આપવા હાજર થયા હોવા છતાં પોલીસ નિવેદન લેવા તૈયાર નથી. આજ દર્શાવે છે કે, પોલીસ કાયદાની ઉપરવટ જઈને કામ કરી રહી છે. તમે ક્યાં સુધી કાયદાની આડમાં નાના-નાના લોકોને દબાવતા રહેશો?
માત્ર રાજકોટ અને ગોંડલમાં જ કોર્ટ નથી, જરૂર પડશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. કાયદાકીય લડતમાં અમે કશું જ બાકી નથી રાખવાના છે. જેવી રીતે સામાન્ય લોકોને કાયદા લાગુ પડે છે, તેમ પોલીસ તંત્રને પણ લાગુ પડે જ છે. આથી માપમાં રહીને કામ કરજો, હવે કેસ તમારા ઉપર પણ થશે.
