Captain Smit Machhar Rajkot: કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીથી જસદણમાં ગૌરવ: પરિવારના સભ્યોએ સ્વાસ્થ્ય માટે કુળદેવીને પ્રાર્થના કરી

કેપ્ટન સ્મિત મચ્છરે ફ્લાયદુબઈ ફ્લાઈટમાં કો-પાયલટના હુમલા છતાં 174 મુસાફરોના જીવ બચાવી અદમ્ય સાહસ દાખવ્યું. તેમના આ પરાક્રમથી જસદણમાં વસતો તેમનો પરિવાર અને સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે, અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Oct 2026 07:08 PM (IST)Updated: Fri, 02 Oct 2026 07:08 PM (IST)
rajkot-news-jasdan-family-prays-for-captain-smit-machhars-fast-recovery

Captain Smit Machhar Rajkot: ફ્લાયદુબઈ ફ્લાઈટમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતના વીર સપૂત કેપ્ટન સ્મિત મચ્છરનું મૂળ સુરેન્દ્રનગરના વઢવાણમાં છે, જ્યારે તેમનો કૌટુંબિક પરિવાર હાલ જસદણમાં વસે છે. કેપ્ટનની આ બહાદુરીને લઈને પરિવાર અને સમગ્ર સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના અને હાલ દુબઈ સ્થિત ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે ગત 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાય દુબઈની ફ્લાઈટ FZ1073માં અદમ્ય સાહસ દાખવ્યું હતું. ઉડાન દરમિયાન કો-પાયલટે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો અને કેપ્ટન સ્મિત પર ચાકુથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે હાર ન માની, કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેથી ક્રૂ અને મુસાફર તરીકે બેઠેલા બે ઓફ-ડ્યુટી પાયલટોએ હુમલાખોરને કાબૂમાં લઈ વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું. આ હિંમતના કારણે 174 મુસાફરોના જીવ બચ્યા છે. ગુજરાત સરકારે તેમને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

કેપ્ટન સ્મિતનો કૌટુંબિક પરિવાર જસદણના બજરંગનગરમાં આવેલ વેકરીયા વાડી પાસે રહે છે. વર્ષોથી વઢવાણથી જસદણ સ્થાયી થયેલા આ પરિવારના ઘરે આજે સામાજિક આગેવાનો અને સમાજના અગ્રણીઓ મુલાકાત લઈ રહ્યા છે અને કેપ્ટન સ્મિતની બહાદુરીની ખૂબ ચર્ચા થઈ રહી છે.

મચ્છર પરિવાર અને ક્ષત્રિય બ્રહ્મ સમાજના મોભીઓ કેપ્ટન સ્મિતની તબિયત જલ્દી સુધરી જાય અને તેઓ દેશ માટે સારા કાર્યો કરતા રહે તે માટે કુળદેવી મોમાઈ માતાને પ્રાર્થના કરી રહ્યા છે.

સ્મિતે બ્રહ્મક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું

આ અંગે વિગતો આપતા જ્યોત્સનાબેન મચ્છરે જણાવ્યું કે, સ્મિત મારા જેઠના દીકરાનો દીકરો થાય છે. મારા સસરા કોંગ્રેસ કાર્યકર હતા. જ્યારે સ્મિતનો પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો. સ્મિતે સારું કામ કરીને બ્રહ્મક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.

સ્મિત મચ્છરના કાકા મનિષભાઈએ જણાવ્યું કે, સ્મિતના પિતા ઉપેન્દ્રભાઈ મારા દાદાના દીકરા થાય છે. સ્મિતે જે અદમ્ય સાહસ દેખાડ્યું, તે ગર્વની વાત છે. સ્મિતે માત્ર અમારા પરિવારનું કે ગામનું નહીં, પરંતુ આખા દેશનું નામ રોશન કર્યું છે. સ્મિતને પોતાને પણ ઈજા થઈ છે. સ્મિત ઝડપથી સ્વસ્થ થઈ જાય, તેવી એકમાત્ર ઈશ્વર સમક્ષ પ્રાર્થના છે.

સ્મિત જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે કુળદેવી મોમાઈ માતાને પ્રાર્થના

જ્યારે છાયાબેન મચ્છરે જણાવ્યું કે, અમે મૂળ વઢવાણના વતની છીએ, પરંતુ ઘણાં વર્ષોથી જસદણ રહેવા આવી ગયા હતા. સ્મિતે પોતાનો જીવ જોખમમાં મૂકીને 180 મુસાફરોનો જીવ બચાવ્યો છે. જે અમારી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ માટે, અમારા મચ્છર પરિવાર અને દેશભર માટે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે.

અમે અમારા કુળદેવી શ્રી મોમાઈ માને એટલી પ્રાર્થના કરીએ કે, અમારા સ્મિતની તબિયત જલ્દી સારી થઈ જાય. તેઓ સ્વસ્થ થઈ જાય અને ફરીથી એ પોતાના કાર્યમાં લાગી જાય.