Rajkot News: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ નજીક પેટ્રોલ ભરેલા એક ટેન્કરમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જેથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને ભયનો માહોલ ફેલાયો હતો. પેટ્રોલિયમ પદાર્થથી ભરેલા ટેન્કરમાં આગ લાગતાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા, જેને પગલે સ્થાનિક ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા
પેટ્રોલિયમ ટેન્કરમાં બ્લાસ્ટ થવાની શક્યતા અને પ્રવાસીઓની જાનમાલની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતાં કાના વડાળાથી કાલાવડ તેમજ જામકંડોરણા તરફ જતા મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંને તરફ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તો બ્લોક કરી વાહનોને સુરક્ષિત અંતરે અટકાવી દેવામાં આવ્યા હતા. જેથી કોઈપણ મોટી દુર્ઘટના ટાળી શકાય.
ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી
બનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડને તાબડતોબ જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ પાણી અને સ્પેશિયલ ફોમનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર ઝડપથી કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
