Rajkot News: રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'ના ત્રીજા દિવસે ભક્તિ અને જનજાગૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની આગવી શૈલીમાં પીરસાઈ રહેલી આ કથામાં રવિવારના રજાના દિવસે 38,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા, જ્યારે આજે ત્રીજા દિવસે પણ 30,000થી વધુ હરિભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. ભક્તોની સંખ્યા એટલી મોટી હતી કે ખુરશીઓ ખૂટી પડતા હજારો યુવાનો અને વડીલોએ જમીન પર બેસીને શ્રવણ કર્યું હતું.

લગ્ન અને સોશિયલ મીડિયા પર માર્મિક ટકોર
વ્યાસપીઠ પરથી સ્વામી હરિપ્રકાશદાસજીએ આજના યુવા વર્ગને લગ્ન અને સંબંધોના મૂલ્યો વિશે લોકબોલીમાં સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, "અરેન્જ મેરેજ એટલે પરિવારની સાથે બેસીને સૌની સંમતિથી જમવું, જ્યારે લવ મેરેજ એટલે છાનામાના એકલા જમી લેવું." તેમણે આજના જમાનાના અસ્થિર પ્રેમ પર કટાક્ષ કરતા કહ્યું કે સોમવારથી શુક્રવાર સુધીમાં થતો પ્રેમ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.

સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા સ્વામીજીએ દીકરીઓને સલાહ આપી હતી કે, તેમણે માત્ર 'મોડેલ' બનીને નથી રહેવાનું, પણ 'ઝાંસીની રાણી' બની પોતાની રક્ષા પોતે કરવાની છે. વોટ્સએપ અને અજાણ્યા પાત્રો પર વિશ્વાસ કરી છેતરાતા યુવાનોને તેમણે સાવધ રહેવા ટકોર કરી હતી.

રાજકોટની સેવાકીય સંસ્થાઓને વંદન
સ્વામીજીએ રાજકોટના સેવાભાવી અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે આ શહેર ખરા અર્થમાં 'પીડ પરાઈ જાણે છે'. તેમણે 'સદભાવના વૃદ્ધાશ્રમ'ની મુલાકાતનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જ્યાં માવતરને કોઈ નથી સાચવતું ત્યાં આ સંસ્થા તેમને પિતૃવત સન્માન આપે છે. તેવી જ રીતે ડાયાબિટીસથી પીડાતા ગરીબ બાળકોની સેવા કરતી સંસ્થાની પ્રશંસા કરી રાજકોટના દાનવીરોને વંદન કર્યા હતા.

ગુજરાતનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન
કથાના અંતિમ ચરણમાં તેમણે રાષ્ટ્રભક્તિનો સૂર રેલાવતા કહ્યું કે ભારતની આઝાદી અને અખંડિતતામાં ગુજરાતના સપૂતો ગાંધીજી અને સરદાર પટેલનું યોગદાન અતુલનીય છે. તેમણે ધીરુભાઈ અંબાણીથી લઈને વર્તમાનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ગુજરાતીઓએ હંમેશા વિશ્વ ફલક પર ભારતનો ડંકો વગાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે કથાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા અત્યાર સુધીમાં 300 બોટલ રક્તદાન પણ એકત્ર કરવામાં આવ્યું છે. દરરોજ આરતી અને રાષ્ટ્રગીત સાથે શરૂ થતી આ કથામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે.
