Rajkot News: રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી લૂંટ વિથ મર્ડર, હત્યા, જીવલેણ હુમલા અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુનેગારો અને માથાભારે તત્વોમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ તેઓ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના રેલનગર વિસ્તારમાં સામે આવી છે, જ્યાં બે પક્ષો વચ્ચેની જૂની અદાવતની માથાકૂટમાં એક નિર્દોષ યુવાન ભોગ બન્યો હતો.
હરીફ પક્ષ સમજીને અસામાજિક તત્વોએ નિર્દોષ યુવાનની કારને નિશાન બનાવી સોડા બોટલ અને પથ્થરોનો બેફામ મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત, સામા પક્ષે પાનના ધંધાર્થીની દુકાનમાં ઘૂસીને પણ ભારે તોડફોડ મચાવી હતી. આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે બે અલગ-અલગ ગુના નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી લેવા માટે સઘન તપાસ શરૂૂ કરી છે.આ ઘટના અંગે સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલી રાધિકા રેસીડેન્સી શેરી નંબર-1 માં રહેતા 31 વર્ષીય યશરાજસિંહ દુષ્યંતસિંહ સરવૈયાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલ વહેલી સવારે 4:15 વાગ્યાની આસપાસ યશરાજસિંહ અને તેમનો મિત્ર ધવલ, તેમની બહેન પૂજાબેન તથા તેમની દીકરી સાથે ગરબા જોઈને પોતાની ગ્રાન્ડ વિટારા કારમાં પરત ફરી રહ્યા હતા.
આ પણ વાંચો
તેઓ મિત્રના બહેન અને ભાણીને આનંદ સ્કૂલ પાસે તેમના ઘરે ઉતારવા ગયા હતા. ત્યારબાદ દીકરી આદ્યાએ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરતા તેઓ કાર લઈને દ્રષ્ટિ રેસીડેન્સી વાળા રસ્તા પરથી આસ્થા ચોક તરફ આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન અચાનક અજાણ્યા શખ્સોએ તેમની કાર પર કાચની બોટલો અને પથ્થરોના ઘા ઝીંકવાનું શરૂૂ કરી દીધું હતું. હુમલાથી ગભરાઈ ગયેલા યશરાજસિંહ તુરંત કાર ભગાવીને ત્યાંથી નીકળી ગયા હતા. આગળ જઈને તપાસ કરતા કારના આગળના કાચમાં મોટી તિરાડો પડી ગઈ હતી, કાચ તૂટી ગયો હતો અને દરવાજાને પણ મોટું નુકસાન થયું હતું. આ અંગે તેમણે તુરંત 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મિત્ર ધવલ સાથે પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે પથ્થર ફેંકનારાઓ પૈકી એક શખ્સ સાહિલ રત્ના હતો અને તેણે કોઈ અન્ય દુશ્મન પક્ષ સમજીને ભૂલથી આ નિર્દોષ યુવાનની કાર પર હુમલો કર્યો હતો. આ જ વિસ્તારમાં પોપટપરા મેઇન રોડ પર આસ્થા ચોક પાસે રહેતા 53 વર્ષીય સલીમભાઈ દાઉદભાઈ ચાનિયાએ પણ હુમલા અંગે બીજી ફરિયાદ નોંધાવી છે. તેમણે રેલનગર-2 માં ક્રિષ્ના પાર્કમાં રહેતા સાહિલ વ્યાસ અને પિયુષ ભરવાડ નામના બે શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો છે.ગઈકાલે વહેલી સવારે 7:45 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ દુકાને પહોંચ્યા ત્યારે ત્યાં બધી વસ્તુઓ વેરવિખેર હતી અને સીસીટીવી કેમેરા પણ તૂટેલી હાલતમાં મળ્યા હતા. ત્યારબાદ તેમણે દુકાનના કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા વહેલી સવારે સાહિલ વ્યાસ અને પિયુષ ભરવાડ નામના બે શખ્સો કાચની બોટલો અને પથ્થરો વડે દુકાનમાં બેફામ તોડફોડ કરતા નજરે પડ્યા હતા. આથી સલીમભાઈએ તુરંત જ પોલીસને જાણ કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
