Rajkot News: રાજકોટના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ખાતે આવેલી દ્વારકાધીશ દૂધની ડેરીમાં શંકાસ્પદ ભેળસેળિયા દૂધના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડેરીમાં દરોડો પાડીને અંદાજે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરી બે ડેરી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
SOG ટીમને નકલી દૂધની બાતમી મળી
રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ SOG ટીમને ધોરાજીના ઝાંઝમેર ગામ ખાતે આવેલી ’દ્વારકાધીશ દૂધની ડેરી’માં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
ડેરી સંચાલક દ્વારા દૂધમાં ભેળસેળ
મળેલી બાતમીના આધારે SOG ટીમે ડેરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન SOG પોલીસ ટીમને તપાસમાં જાણવા મળ્યું કે, ડેરીના સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ એકઠું કરતા હતા. ત્યારબાદ વધુ નફો કમાવવાની લાલચમાં દૂધની માત્રા અને ફેટ વધારવા માટે વિવિધ પદાર્થોની ભેળસેળ કરી કૃત્રિમ દૂધ તૈયાર કરતા હતા. SOG ટીમને સ્થળ પરથી આશરે 400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કાર્યવાહી
જનતાના આરોગ્યની ગંભીરતાને ધ્યાને રાખીને, પોલીસે તાત્કાલિક ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂનાઓ પૃથ્થકરણ માટે નમૂના લેવામાં આવ્યા છે. તેમજ દૂધનું લેબ ટેસ્ટ કરવામાં આવ્યું છે. જેથી તેમાં કેવા પ્રકારની ભેળસેળ કરવામાં આવી તે સ્પષ્ટ થઈ શકે. આ સમગ્ર કૌભાંડમાં ડેરીના બે સંચાલકોની સંડોવણી સામે આવી છે. ઝાંઝમેર ગામના રહેવાસી રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગરભાઈ દુદાભાઈ કસોટીયા સામે એસઓજીએ કાર્યવાહી કરી છે.
ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ
ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, તેવા સંકેતો મળી રહ્યા છે. જ્યારે કાર્યવાહીમાં SOGના PI એફ.એ. પારગી સાથે PSI જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, ASI પી.કે. શામળા અને એફ.ડી. બ્લોચ, પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ત્રકટા, કલ્પેશભાઈ કોઠીવાર અને નિર્મળસિંહ ચુડાસમાએ કામગીરી કરી હતી.
