Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હીંચકામાંથી પટકાયેલા પાંચમાં ધોરણમાં ભણતા 10 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવયો છે. જ્યારે અન્ય બનાવમાં ગોંડલમાં દીવાલ ધરાશાયી થતાં મહિલા કાટમાળ હેઠળ દટાઈને મોતને ભેટી છે.
પ્રથમ બનાવમાં ઉપલેટામાં પોરબંદર રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મનિષ સોલંકીનો 10 વર્ષીય પુત્ર ધાર્મિક ગત 28મીની રાતે પોતાના ઘરે હીંચકા ખાતો હતો. આ દરમિયાન અકસ્માતે નીચે પટકાતા તાત્કાલિક તેને સારવાર અર્થે ઉપલેટા અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી ધાર્મિકને રાજકોટની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ધાર્મિકે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
અન્ય બનાવમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામના પાટવી વિસ્તારમાં જેન્તીભાઈ ઉર્ફે જેનો થોમરની વાડીમાં આવેલ નળિયા વાળા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ હેઠળ દટાઈ જતાં અજાણી મહિલાનું મોત થયું છે. જ્યારે જેન્તીને ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલીને પોલીસે તેની ઓળખ મેળવવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.
