Rajkot: દિવાળીના તહેવારના દિવસે જ રાજકોટ શહેરના ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં થયેલી 40.30 લાખ રૂપિયાની મોટી ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરી કરનાર ઇસમને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ. 70,05,900/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
ગઈ તા. 20/10/2025ના રોજ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભક્તિનગર સોસાયટી, શેરી નં.-5, પોસ્ટ ઓફિસની સામે આવેલા 'અલભ્ય' નામના મકાનમાંથી રાત્રીના આશરે પોણા આઠથી સાડા અગિયારેક વાગ્યાની આસપાસ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી.
આ ચોરીમાં કુલ કિંમત રૂ. 40,30,000/- ની ચોરી થયેલ હતી. દિવાળીના તહેવાર નિમિત્તે બંધ મકાનમાં થયેલી આ મોટી ચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના આદેશથી ક્રાઈમ બ્રાન્ચની ટીમોને તપાસ માટે સૂચના આપવામાં આવી હતી.
CCTV ફૂટેજ અને ચોક્કસ હ્યુમન સોર્સિસથી ક્રાઈમ બ્રાન્ચે આ ચોરી કરનાર ઇસમને પકડી પાડ્યો છે. પકડાયેલ આરોપી: ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલભાઇ સમા જાતિ/ઉંમર: મુસ્લિમ લુહાર, ઉંમર 40 વર્ષ રહેવાસી: રેલ્વે સ્ટેશન રોડ, શેલાર પીરની દરગાહ પાસે, અમીપરા મસ્જિદની સામે, ભાવનગર શહેર અગાઉનો ગુનાહિત ઇતિહાસ: ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ ઈ.પી.કો. કલમ- 380, 454, 457 મુજબનો ગુનો નોંધાયેલો છે.
સોનાના દાગીના: કુલ વજન 513.150 ગ્રામ, કિંમત રૂ. 55,48,000/-. ચાંદીના દાગીના: કુલ વજન 1784.28 ગ્રામ, કિંમત રૂ. 1,32,800/-. રોકડા રૂપિયા: રૂ. 2,35,000/- (અલગ-અલગ દરની નોટો). અન્ય મુદ્દામાલ: સુઝુકી કંપનીનું એક્સેસ મોટર સાયકલ (કિ. રૂ. 70,000/-) , સેમસંગ કંપનીનો એક મોબાઇલ ફોન (કિ. રૂ. 20,000/-). સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
