Rajkot: ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ યુ-ટ્યુબર બન્ની ગજેરાને બદનક્ષી અંગે નોટિસ ફટકારી, તાત્કાલિક માફી માંગવા કહ્યું

બન્ની ગજેરા પર પોતાના વીડિયોમાં અલ્પેશ ઢોલરિયા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ. 15 દિવસમાં જવાબ નહીં મળે, તો 10 કરોડનો દાવો માંડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 May 2025 07:40 PM (IST)Updated: Tue, 20 May 2025 05:32 PM (IST)
rajkot-news-bjp-chief-alpesh-dholaria-sent-legal-notice-to-youtuber-banni-gajera
HIGHLIGHTS
  • બન્ની ગજેરાને પોતાના પ્લેટફોર્મ પરથી વીડિયો દૂર કરવા જણાવાયું

Rajkot: રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જાણીતા યુ-ટ્યૂબર બન્ની ગજેરાને રૂ. 10 કરોડની બદનક્ષીનો દાવો કરવા માટે કાનૂની નોટિસ ફટકારી છે. જેમાં 15 દિવસમાં નોટિસનો જવાબ નહીં આપવામાં આવે, તો કોર્ટમાં દાવો દાખલ કરવા જણાવાયું છે.

અલ્પેશ ઢોલરિયા દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં યુ-ટ્યુબર બન્ની ગજેરા પર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં બન્ની ગજેરા દ્વારા પોતાની યુ-ટ્યુબ ચેનલ પર કેટલાક એવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં અલ્પેશ ઢોલરિયા વિશે કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. આ વીડિયોના કારણે અલ્પેશ ઢોલરિયાની સમાજમાં અને રાજકીય ક્ષેત્રે છબી ખરડાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ કાનૂની નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, બન્ને ગજેરા દ્વારા પ્રસારિત કરવામાં આવેલી તમામ માહિતી ખોટી છે. જે બદલ તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ અને એવા વીડિયોને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા જોઈએ. આ સાથે જ 15 દિવસની અંદર નોટિસનો સંતોષજનક જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. જો જવાબ આપવામાં નિષ્ફળ જશે, તો અલ્પેશ ઢોલરિયા તેની વિરુદ્ધ રૂ. 10 કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કરવા મક્કમ છે.