Rajkot: જંગલેશ્વરમાં દુકાન બંધ કરાવવા લુખ્ખા તત્વોનો આતંક, વેપારી પર હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Nov 2023 08:09 PM (IST)Updated: Fri, 24 Nov 2023 08:09 PM (IST)
rajkot-news-attack-on-shop-keeper-at-jangleshwar-area

Rajkot: શહેરમાં ખાખીની કોઈ ધાક જ રહી ન હોય તેમ અવારનવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવતો રહે છે. આવો જ એક વધુ બનાવ શહેરન જંગલેશ્વર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં ગત રાતે અહીંના ખ્વાજા ચોકમાં દુકાનો બંધ કરાવવા આવેલી ટોળકીએ આતંક મચાવી વેપારી ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે આતંક મચાવનાર ટોળકીના 10 શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા અને ખ્વાજા ચોક નજીક ખ્વાજા એપાર્ટમેન્ટમાં નિસ્બત પાન પાર્લર નામે દુકાન ધરાવતા વેપારી હાજીભાઈ ખેખર (33)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમીર સંજલો જુણેજા, મુજુડો, સરફરાજ, દાનિસ સિપાહી, સમીરનો ભાણો સોહિલ, નવલો, તેજીમ સહિત બે શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત રાતે 10 વાગ્યાની આસપાસ તેઓ દુકાનથી ઘરે જમવા માટે ગયા હતા. જ્યારે દુકાનમાં તેમનો માણસ બેઠો હતો. આ સમયે સમી ઉર્ફે સંજલો તથા તેની સાથે ધસી આવેલા શખ્સો દુકાન બંધ કરાવવામાં આવ્યા હતા. આથી તેઓ દુકાન પહોંચ્યા હતા અને બંધ કરાવવા પાછળનું કારણ પૂછ્યું હતુ.

આથી સમીર ઉર્ફે સંજલો સહિતના અન્ય શખ્સોએ ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં, દુકાનમાં તોડફોડ કરીને નુક્સાન કર્યું હતુ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે લોકોના ટોળા એકઠા થઈ જતાં તમામ લોકો ભાગી છૂટ્યા હતા.

આ હુમલામાં ઈજાગ્રસ્ત વેપારી હાજીભાઈને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભક્તિનગર પોલીસે ઈજાગ્રસ્ત વેપારીની ફરિયાદના આધારે આતંક મચાવનાર 10 શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.