Rajkot: રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમાં ચડવાની બેદરકારીના કારણે અકસ્માતના બનાવો અવાર-નવાર સામે આવતા રહે છે, ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ રેલવે જંકશન ઉપર ચાલુ ટ્રેને ચડવા જતા વૃદ્ધનો જીવ ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસમેને પોતાના જીવના જોખમે બચાવ્યો હતો. જો કે દિલધડક ઘટનામાં વૃદ્ધનો જીવ તો બચી ગયો હતો પણ ટ્રેન હેઠળ આવી જતા પગ કપાઇ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામા કેદ થઇ ગયો હતો.
હીકકતમાં આજે સવારે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 ઉપર હાપા-દુરન્તો એકસપ્રેસ ટ્રેન ઉપડતી હતી. આ સમયે ચાલુ ટ્રેનમાં ચડતી વખતે વૃદ્ધ ફસડાઇ પડયા હતા. જો કે પ્લેટફોર્મ ઉપર હાજર રેલવે LCBના પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ ગોયલનું ધ્યાન પડતા તેઓ દોડી ગયા હતા. જેમણે જીવના જોખમે વૃદ્ધનો હાથ પકડી લઇ તેમનો જીવ બચાવ્યો હતો.
જો કે વૃદ્ધ પ્લેટફોર્મ નીચે સરકી જતા ટ્રેન નીચે આવી ગયેલો તેમનો ડાબો પગ કપાઇ ગયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને બહાર કાઢી તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અને ત્યાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુ તપાસમા ઇજાગ્રસ્ત વૃદ્ધની ઓળખ મુંબઇના મુલુન્ડ વિસ્તારમાં કલ્પનગરીમાં રહેતા નરેન્દ્રભાઇ મેઘજીભાઇ ભાનુશાળી (ઉ.વ. 69) તરીકે થઈ છે. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ ઉપર લગાવેલા સીસીટીવીમા કેદ થઇ ગઇ હતી. પોલીસ કર્મચારીના સતર્કતાના કારણે વૃદ્ધનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના બનતી અટકી હતી.
