Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં લોકોના પ્રશ્નોને ઉકેલવા ગયેલા આમ આદમી પાર્ટી મહિલા નેતા જીગીશા પટેલ પર અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
હકીકતમાં ગોંડલમાં પાણી અને રસ્તાની સમસ્યા અંગે લોકોની રજૂઆત સાંભળવા ગયેલ જીગીશા પટેલની ગાડી પર પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલામાં જીગીશા પટેલ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, AAPની મહિલા નેતા જીગીશા પટેલ ભગવતીપરા વિસ્તારમાં પાણી અને રસ્તાના પ્રશ્નને લઈને સ્થાનિકો સાથે ચર્ચા કરવા ગયા હતા. આ સમયે જીગીશા પટેલ અને અન્ય મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. બન્ને વચ્ચેની બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ દરમિયાન અજાણ્યા ઈસમોએ જીગીશા પટેલની ગાડી પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
જીગીશા પટેલ પર હુમલાને લઈને AAP કાર્યકરોમાં રોષ
આ પથ્થરમારામાં જીગીશા પટેલની કારને વ્યાપક નુકસાન થયું હતુ. આટલું જ નહીં, પથ્થર વાગવાથી જીગીશા પટેલ પણ લોહીલુહાણ થઈ ગયા હતા. બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
અત્યારે જીગીશા પટેલને વ્હીલચેરમાં બેસાડીને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે AAPના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
