Rajkot: રમતા-રમતા પાણીના ખાડામાં ન્હાવા પડેલા 3 બાળકો ડૂબ્યા, બેના મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Aug 2024 04:20 PM (IST)Updated: Fri, 30 Aug 2024 04:20 PM (IST)
rajkot-news-3-children-drown-in-pothole-2-died-on-the-spot

Rajkot: રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે નવા કોર્ટ બિલ્ડિંગની સામે પાણીના ખાડામાં ડૂબી જવાથી બે મિત્રોના મોત થયા છે. ત્રણ બાળકો આજે વરસાદ બાદ ખાડામાં ભરાયેલા પાણીમાં ન્હાવા પડયા હતાં. જેની થોડી જ વારમાં ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં મૃતક બાળકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ ઘટનાની કરૂણાંતિ એવી છે કે ભરવાડ પરિવારના ચાર બહેનનો એકનો એક ભાઈ ડૂબીજવાથી મોતને ભેટયો હતો. જ્યારે દેવીપૂજક પરિવારનો પુત્ર પણ મોતના મુખમાં ધકેલાઈ જતાં બન્ને પરિવારોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના ઘંટેશ્વર નજીક નવી બંધાયેલી કોર્ટ બિલ્ડિંગ પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં બન્નેના મોત થયા હતાં. આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ અને ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક બાળકોની ઓળખ રૈયાધાર રંભામાની વાળી પાસે રહેતાં ભીખાભાઈ મુન્નાભાઈ ભુંડીયા (ઉ.10) અને મયુર વિજયભાઈ હળવદીયા (ઉ.10) તરીકે થઈ હતી. જે પૈકી દેવીપૂજક પરિવારનો ભીખો ચાર બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો.

ભીખો પોતાના બે મિત્રો સાથે પાણીના ખાડામાં ન્હાવા પડ્યો હતો. જ્યાં તરતા આવડતું ના હોવાથી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી બેના મોત થયા હતા. આ બનાવ બાદ દેવીપૂજક પરિવાર પોતાના પુત્રનો મૃતદેહ લઈને હોસ્પિટલના બદલે ઘરે પહોંચી ગયો હતો. જ્યારે ભરવાડ પરિવારના પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘંટેશ્વર નજીક નવા કોર્ટ બિલ્ડિંગ સામે પાણીનો ખાડો ભરાયેલો હતો. વરસાદ બાદ બન્ને મિત્રો રમતા-રમતા ત્યાં પહોંચ્યા હતા અને ખાડામાં ન્હાવા માટે પડ્યા હતા. જો કે બન્ને બાળકોને ખ્યાલ નહતો કે, આ ખાડો ખૂબ ઊંડો છે. જેથી બન્ને મિત્રો વારાફરતી ડૂબવા લાગ્યા હતા અને થોડીવારમાં મોતને ભેટ્યા હતા.