Rajkot: જંગલેશ્વરમાં આતંક મચાવનાર 10ની ધરપકડ, પોલીસે ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Nov 2023 04:57 PM (IST)Updated: Wed, 29 Nov 2023 04:57 PM (IST)
rajkot-news-10-held-in-attack-on-shop-keeper-at-jangleshwar

Rajkot: થોડા દિવસ અગાઉ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં દુકાન બંધ કરાવવા આવેલા અસામાજિક તત્વોની ટોળકીએ આતંક મચાવીને વેપારી પર છરી અને ધોકા વડે હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ આજે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતુ.

હકીકતમાં જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા અને ખ્વાજા ચોક નજીક ખ્વાજા એપાર્ટમેન્ટમાં નિસ્બત પાન પાર્લર નામે દુકાન ધરાવતા વેપારી હાજીભાઈ ખેખર (33)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે સમીર સંજલો જુણેજા, મુજુડો, સરફરાજ, દાનિસ સિપાહી, સમીરનો ભાણો સોહિલ, નવલો, તેજીમ સહિત 10 લોકોને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓએ ફરિયાદીની દુકાન બંધ કરવા મામલે તોડફોડ કરી આંતક મચાવ્યો હતો.આજે પીઆઇ એમ.એમ.સરવૈયા અને સ્ટાફે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ, વેપારી દુકાનથી ઘરે જમવા માટે ગયા હતા. જ્યારે દુકાનમાં તેમનો માણસ બેઠો હતો. આ સમયે સમી ઉર્ફે સંજલો તથા તેની સાથે ધસી આવેલા શખ્સો દુકાન બંધ કરાવવામાં આવ્યા હતા. આથી તેઓ દુકાન પહોંચ્યા હતા અને બંધ કરાવવા પાછળનું કારણ પૂછ્યું હતુ.આથી સમીર ઉર્ફે સંજલો સહિતના અન્ય શખ્સોએ ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં, દુકાનમાં તોડફોડ કરીને નુક્સાન કર્યું હતુ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે લોકોના ટોળા એકઠા થઈ જતાં તમામ લોકો ભાગી છૂટ્યા હતા.

આ હુમલામાં ઈજાગ્રસ્ત વેપારી હાજીભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભક્તિનગર પોલીસે વેપારીની ફરિયાદના આધારે આતંક મચાવનાર 10 શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.