Nayara Fuel Price Hike: નાયરાના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં ભડકો: પેટ્રોલમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3નો તોતિંગ વધારો

નાયરા પેટ્રોલ પંપ પર કરવામાં આવેલા નવા ભાવવધારા મુજબ, પેટ્રોલના ભાવમાં લિટર દીઠ સીધો રૂ. 5 નો આકરો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે ડીઝલના ભાવમાં પણ લિટર દીઠ રૂ. 3 નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 03 Oct 2026 10:48 AM (IST)Updated: Sat, 03 Oct 2026 10:48 AM (IST)
rajkot-nayara-petrol-pump-fuel-price-hike-petrol-diesel-rates
નાયરા પેટ્રોલ પંપ

Nayara Fuel Price Hike: રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના વાહનચાલકો તથા સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના નાયરા એનર્જી (Nayara Energy) ના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં અચાનક જ મોટો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં અસ્થિરતા અને સ્થાનિક સપ્લાય પરિબળોની અસર વચ્ચે નાયરા કંપની દ્વારા પોતાના પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવામાં આવતા દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો અને નોકરીયાત વર્ગનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે.

નવો ભાવવધારો જુઓ

નાયરા પેટ્રોલ પંપ પર કરવામાં આવેલા નવા ભાવવધારા મુજબ, પેટ્રોલના ભાવમાં લિટર દીઠ સીધો રૂ. 5 નો આકરો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે ડીઝલના ભાવમાં પણ લિટર દીઠ રૂ. 3 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ તોતિંગ વધારા સાથે જ રાજકોટના નાયરા પંપ પર પેટ્રોલનો નવો ભાવ વધીને રૂ. 106.83 પ્રતિ લિટર થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂ. 100.66 પ્રતિ લિટરની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે સરકારી તેલ કંપનીઓના ભાવ કરતા ખાનગી પંપ પર આ અચાનક થયેલા વધારાથી ગ્રાહકો ચોંકી ઉઠ્યા છે.

ઇંધણનો પ્રકાર જૂનો ભાવ (અંદાજિત) નવો ભાવ (પ્રતિ લિટર) ભાવ વધારો (પ્રતિ લિટર)
પેટ્રોલ ₹ 101.83 ₹ 106.83 + ₹ 5.00
ડીઝલ ₹ 97.66 ₹ 100.66 + ₹ 3.00

વાહનચાલકો, મોંઘવારી અને ટ્રાન્સપોર્ટરો પર પડશે સીધી અસર

પેટ્રોલ અને ડીઝલમાં થયેલા આ ભાવવધારાના કારણે દૈનિક ધોરણે અપ-ડાઉન કરતા નોકરીયાતો, કુરિયર બોયઝ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો પર ભારે આર્થિક બોજ આવી પડ્યો છે.

ડીઝલનો ભાવ રૂ. 100 ની સપાટી વટાવી જતાં માલસામાનની હેરફેર મોંઘી બનવાની પૂરેપૂરી શક્યતા છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી શાકભાજી, દૂધ અને જીવનજરૂરી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય ગૃહિણીઓના રસોડાના બજેટ પર પડશે. નાયરા પંપ પર ઈંધણ પુરાવવા પહોંચેલા વાહનચાલકોએ આ અચાનક ઝીંકાયેલા ભાવવધારા સામે ભારે અસંતોષ અને રોષ વ્યક્ત કર્યો છે.