Gujarat Election 2026: 11 કરોડનો પ્લોટ-20 લાખ સોનું, કરોડપતિ છે કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજા; જાણો તેમની સંપત્તિ-રોકાણની વિગતો

નયનાબા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 પર કોંગ્રેસના ઉમેદવાર છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 18 Apr 2026 04:23 PM (IST)Updated: Sat, 18 Apr 2026 04:24 PM (IST)
rajkot-municipal-corporation-election-2026-congress-candidate-naynaba-jadeja-net-worth-assets-property-details
HIGHLIGHTS
  • કોંગ્રેસ ઉમેદવાર છે નયનાબા જાડેજા 
  • 17 કરોડથી વધુની મિલકતના માલિક

Naynaba Jadeja Net Worth, RM Election 2026: ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન તરીકે નયનાબા જાડેજા એક જાણીતો ચહેરો છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં રજૂ કરાયેલા ચૂંટણી સોગંદનામા મુજબ નયનાબા પાસે 17 કરોડ રૂપિયાથી વધુની જંગી મિલકત હોવાનું સામે આવ્યું છે.

ભાઈ સાથે કરોડોની જોઈન્ટ FD

ચૂંટણી સોગંદનામામાં દર્શાવેલ વિગતો અનુસાર, નયનાબા તેમના ભાઈ રવિન્દ્ર જાડેજા સાથે એક જોઈન્ટ બેંક એકાઉન્ટ ધરાવે છે, જેમાં 5.75 કરોડ રૂપિયાની FD કરવામાં આવી છે. આ ડિપોઝિટમાં નયનાબાનો અડધો હિસ્સો છે. જ્યારે તેમની પાસે માત્ર 25 હજાર રૂપિયા રોકડ હોવાનું દર્શાવ્યું છે.

દ્વારકામાં 11 કરોડ રૂપિયાનો પ્લોટ

સ્થાવર મિલકતોની વાત કરીએ તો, નયનાબા પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે વારસાઈ અથવા બક્ષીસમાં મળેલો એક વિશાળ ખુલ્લો પ્લોટ છે, જેની હાલની બજાર કિંમત જ આશરે 11 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગર વિસ્તારમાં પણ તેઓ રહેણાંક મકાન અને પ્લોટ ધરાવે છે.

નયનાબા જાડેજાના આર્થિક રોકાણ અને અન્ય સંપત્તિની વિગતો નીચે મુજબ છે:

  • મ્યુચ્યુઅલ ફંડ: 60 લાખ રૂપિયાથી વધુનું જંગી રોકાણ.
  • સોનું (ઝવેરાત): 28 લાખ રૂપિયાની કિંમતનું 200 ગ્રામ (20 તોલા) સોનું.
  • વાહનો: એક i10 કાર, એક વર્ના કાર અને 2 ટુ-વ્હીલર.
  • આવકનો મુખ્ય સ્ત્રોત: ખેતી અને અન્ય અંગત વ્યવસાય.

પરિવારમાં જ ભાજપ-કોંગ્રેસની વૈચારિક ટક્કર

નયનાબા જાડેજા લાંબા સમયથી કોંગ્રેસના સક્રિય કાર્યકર અને મહિલા પાંખમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ એક નીડર વક્તા તરીકે અવારનવાર ભાજપ સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. રસપ્રદ વાત એ છે કે તેમના ભાભી (રવીન્દ્ર જાડેજાના પત્ની) રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.

એક જ પરિવારના સભ્યો હોવા છતાં અલગ-અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા હોવાથી, ભાજપ અને કોંગ્રેસની આ કૌટુંબિક ટક્કર મીડિયામાં હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. કોંગ્રેસે રાજકોટમાં તેમને ખાસ જવાબદારી સોંપી હોવાથી નયનાબાની ચૂંટણી બેઠક પર લોકોની ખાસ નજર મંડાયેલી છે.