Rajkot Hanuman Chalisa Yuva Katha: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા' અત્યારે આસ્થા અને સેવાનો ત્રિવેણી સંગમ બની છે. પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની અમૃતવાણીનો લાભ લેવા માટે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે, જેમાં મંગળવારના રોજ 50 હજારથી વધુ ભાવિકોએ કથાશ્રવણ કર્યું હતું. આ ધાર્મિક આયોજન સામાજિક સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, જ્યાં એક જ દિવસમાં 300થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી.
31મીની રાત્રે પશ્ચિમી સંસ્કૃતિ સામે ભારતીયતાનો વિજય
આજે 31મી ડિસેમ્બરના રોજ જ્યારે સમગ્ર વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલું હશે, ત્યારે રાજકોટમાં ભારતીય સંસ્કૃતિની ભવ્યતા જોવા મળશે. આ રાત્રે હનુમાનજી દાદાનો જન્મોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે.
- દાદાને 151 કિલોની કેક ધરવામાં આવશે.
- ભક્તોમાં 51 કિલો ચોકલેટ અને કેડબરીનો પ્રસાદ વહેંચાશે.
- સંતો-મહંતો અને દાદા પર 108 કિલો પુષ્પો દ્વારા વર્ષા કરવામાં આવશે.
- સમગ્ર મંડપને ફુગ્ગા અને ફૂલોથી શણગારી દાદાની 'વાનર સેના'ના દર્શન કરાવવામાં આવશે.
આ આયોજનનો મુખ્ય હેતુ યુવાધનને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાંથી બહાર કાઢી ભારતીય આધ્યાત્મિકતા તરફ વાળવાનો છે. આ મહોત્સવમાં 50 થી 60 હજાર લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.
ગરીબ હરિભક્તની નિઃસ્વાર્થ સેવાએ સૌને રડાવ્યા
કથા દરમિયાન સ્વામીજીએ એક ભાવુક પ્રસંગ શેર કર્યો હતો. તેમણે રાજકોટના ભરવાડ જ્ઞાતિના એક દાદાની નિઃસ્વાર્થ સેવાનો પરિચય કરાવતા જણાવ્યું કે, આ બાપા અત્યંત સાધારણ આર્થિક સ્થિતિમાં હોવા છતાં ભક્તોની સેવામાં ક્યારેય પીછેહઠ કરતા નથી. સ્વામીજીએ જણાવ્યું, "ગયા વર્ષે જ્યારે હું બાપાના ઝૂંપડા જેવડા ઘરે ગયો ત્યારે તેમની સ્થિતિ જોઈને હું રડી પડ્યો હતો. પણ બાપાએ હિંમતપૂર્વક કહ્યું હતું કે, સ્વામી ભલે મારે મારું ઘર વેચવું પડે પણ કથામાં આવતા ભક્તોને હું ચા પીવડાવવાનું ચાલુ જ રાખીશ".
યુવાનોને વ્યસનમુક્તિનો કડક સંદેશ
સ્વામીજીએ યુવા પેઢીને ટકોર કરતા જણાવ્યું હતું કે જો જીતવું હશે તો 'વ્યસન અને ફેશન' છોડવી પડશે. તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું કે, "તમારા માટે નહીં તો તમારા નાના બાળકો અને પત્નીના ભવિષ્ય માટે વ્યસન છોડો". તેમણે સામાજિક કડવી વાસ્તવિકતા વર્ણવતા કહ્યું કે જ્યારે ઘરનો મોભી વ્યસનને કારણે અકાળે વિદાય લે છે, ત્યારે આખો સમાજ પાછળ રહી ગયેલી સ્ત્રીની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હોય છે.
વ્યવસ્થા માટે 3000 સ્વયંસેવકો તૈનાત
હજારોની મેદનીને સંભાળવા માટે 27 અલગ-અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. પ્રસાદ વિતરણ, ટ્રાફિક કંટ્રોલ અને પાણીની વ્યવસ્થા માટે 3000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત કાર્યરત છે.
આગામી 2જી જાન્યુઆરીના રોજ હનુમાન દાદાનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ રાખવામાં આવ્યો છે. સ્વામીજીએ રાજકોટની તમામ માતાઓ અને બહેનોને આહ્વાન કર્યું છે કે તેઓ પોતપોતાના ઘરેથી શ્રદ્ધાપૂર્વક પ્રસાદ કે વાનગી બનાવીને કથા સ્થળે લાવે, જેથી આ ઉત્સવ વધુ યાદગાર બની શકે.
