Rajkot Lodhika Sangh Election Results: સહકારી ક્ષેત્રે પ્રતિષ્ઠાનો જંગ બનેલી રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ધારાસભ્ય અને સહકારી અગ્રણી જયેશ રાદડિયા જૂથે ફરી એકવાર પોતાનું રાજકીય વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર મેન્ડેટ અને વ્હીપની ઐસીતૈસી કરીને મેદાનમાં ઉતરેલા રાદડિયા સમર્થક ઉમેદવારોએ જીત મેળવી છે. આ ચૂંટણી પરિણામોમાં સૌથી મોટો અપસેટ કુવાડવા બેઠક પર સર્જાયો છે, જ્યાં પૂર્વ રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી હારી ગયા છે.
કુવાડવા બેઠક પર નીતિન ચોવટીયાએ ભવ્ય જીત
કુવાડવા બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે પાર્ટી લાઇન વિરુદ્ધ ઊભેલા નીતિન ચોવટીયાએ ભવ્ય વિજય મેળવીને મોટો રાજકીય ઉલટફેર કર્યો છે. માધાપર બેઠક પર અહીં પણ મેન્ડેટની વિરુદ્ધ જઈ ચૂંટણી લડનારા વિજય સખિયાએ પક્ષના દિગ્ગજ આગેવાન ઘોઘુભા જાડેજાને હાર આપીને જીતનો ધ્વજ લહેરાવ્યો છે. બા બેઠક પર આ બેઠક પર અનિરુદ્ધસિંહ જાડેજા અને નીતિન રામાણી વચ્ચે પરિણામ ટાઈ થયું હતું.
નીતિન રામાણી વિજેતા જાહેર થયા
લોકશાહી ઢબે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાતા નીતિન રામાણી વિજેતા જાહેર થયા હતા. હલેન્ડા બેઠક પર ભાજપના સત્તાવાર મેન્ડેટ સાથે મેદાનમાં ઉતરેલા ઉમેદવાર મહેશ આસોદરીયાએ વિજય પ્રાપ્ત કર્યો છે. ખોખડદડ બેઠક પર રાદડિયા વિરોધી જૂથના માનવામાં આવતા બાબુ નસીતે એક મતદારની ગેરહાજરી વિજય મેળવ્યો છે.
સહકારી ક્ષેત્રે રાદડિયા જૂથનો દબદબો
પાંચ મહત્વપૂર્ણ બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ખુલ્લેઆમ પાર્ટીના વ્હીપનો અનાદર થયો હોવા છતાં, સહકારી રાજકારણમાં રાદડિયા ફેક્ટર જ સર્વોપરી રહ્યું હોવાનું સ્પષ્ટ સાબિત થયું છે.
