લાભપાંચમના શુભ મુહૂર્ત સાથે રાજકોટની બજારો ફરી ધમધમી ઉઠી! દિવાળીની તેજી બાદ હવે લગ્નસરા પર વેપારીઓની મીટ

લાભપાંચમના શુભ મુહૂર્તે દિવાળીના 4 દિવસના વેકેશન બાદ રાજકોટની બજારો ફરી ધમધમી છે. કાપડ બજારમાં ચહલપહલ વધી, હવે લગ્નસરાની સિઝનથી વેપારીઓને સારા વેપારની આશા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 12:43 PM (IST)Updated: Sat, 14 Nov 2026 12:43 PM (IST)
rajkot-labh-pancham-2026-markets-reopen-textile-business-wedding-shopping-season

Rajkot Labh Pancham 2026: નવા વર્ષના પ્રથમ શુભ દિવસ એવા લાભપાંચમના પાવન અવસરે રાજકોટની મુખ્ય કાપડ બજાર સહિતની તમામ બજારો ફરી એકવાર ગ્રાહકોની ચહલપહલથી ધમધમી ઉઠી છે. દિવાળીના તહેવારો નિમિત્તે ચાર દિવસના મિની વેકેશન બાદ આજે વહેલી સવારથી જ વેપારીઓએ પોતાની દુકાનો ખોલી દીવાબત્તી અને ચોપડામાં 'શુભ-લાભ' લખી નવા વર્ષના વેપાર-ધંધાના શુભ મુહૂર્ત કર્યા હતા.

દિવાળી બાદ બજારોમાં નવો પ્રાણ ફૂંકાયો

દિવાળીના તહેવારો દરમિયાન છેલ્લા ચાર દિવસથી રાજકોટની અંદાજે 95 ટકા જેટલી બજારો બંધ રહી હતી અને વેપારીઓ પરિવાર સાથે રજાના મૂડમાં હતા. આજે લાભપાંચમના દિવસે નવી આશા અને નવી મહત્વકાંક્ષાઓ સાથે તમામ વેપારીઓએ પોતાના પ્રતિષ્ઠાનો પુનઃ શરૂ કર્યા છે. મુખ્ય બજાર વિસ્તારોમાં ફરી એકવાર ગ્રાહકો અને વેપારીઓની રોનક જોવા મળી રહી છે.

લગ્નસરાની સિઝન સારી રહેવાની પૂરી શક્યતા

આ અંગે રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હિતેશ અનડકટે જણાવ્યું હતું કે,

આ વર્ષે દિવાળીનો વેપાર ખૂબ જ સારો રહ્યો છે અને તમામ વેપારીઓને તેનો સારો લાભ મળ્યો છે. રાજકોટની જનતા ફરીથી મુખ્ય બજાર વિસ્તારમાં ખરીદી માટે પાછી ફરી છે તેનો અમને સૌને આનંદ છે. હવે આગામી દિવસોમાં લગ્નસરાની (મેરેજ) સિઝન પણ ખૂબ સારી રહેવાની પૂરી શક્યતા છે, જેનો વેપારી વર્ગને મોટો ફાયદો થશે.