Rajkot: રબારીકા ચોકડી પાસે ગોઝારો અકસ્માત, બેફામ કારની અડફેટે દાદા-પૌત્રનું કરુણ મોત

ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શન કરવા જતા પરિવાર પર કાળ ફરી વળ્યો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 21 Apr 2026 11:45 AM (IST)Updated: Tue, 21 Apr 2026 11:45 AM (IST)
rajkot-jetpur-highway-car-bike-accident-grandfather-and-grandson-die
HIGHLIGHTS
  • જેતપુર-રાજકોટ હાઇવે પર અકસ્માત
  • કારની અડફેટે દાદા-પૌત્રનું કરુણ મોત

Rajkot Road Accident: જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર રબારીકા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઇકને અડફેટે લીધું હતું. આ બનાવમાં બાઇક પર સવાર દાદા અને પૌત્રનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, બચુભાઈ લાલુ (ઉંમર વર્ષ 55) અને તેમનો પૌત્ર હરદીપ લાલુ (ઉંમર વર્ષ 11) બંને બાઇક પર સવાર થઈને સવારના સમયે ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે જ સમયે, રબારીકા ચોકડી પાસેથી પસાર થતી વખતે એક બેફામ કાર ચાલકે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી.

ગમખ્વાર બનાવમાં દાદા-પૌત્રનું મોત  

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ 11 વર્ષીય માસૂમ કિશોર હરદીપ લાલુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કારની જોરદાર ટક્કરને કારણે બાઇક ચાલક 55 વર્ષીય બચુભાઈ લાલુ ઉછળીને સીધા પુલની નીચે ખાબક્યા હતા.

naidunia_image

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બચુભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મંદિરે દર્શન કરવા નીકળેલા દાદા-પૌત્ર એકસાથે કાળનો કોળિયો બની જતા મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.

કારચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌપ્રથમ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, અને બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.