Rajkot Suicide News: રાજકોટ શહેરમાં વ્યાજખોરોના અમાનુષી ત્રાસ અને ધાક-ધમકીથી કંટાળીને વધુ એક દંપતીએ જિંદગીનો ટૂંકાવી દીધાની ચોંકાવનારી અને અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના વિસ્તારમાં લસણના કારખાનામાં પતિ-પત્નીએ એકસાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. મૃતક દંપતીની ઓળખ રમેશભાઈ ચાવડા અને તેમના પત્ની ભારતીબેન ચાવડા તરીકે થઈ છે.
4 લાખ સામે 8 લાખ રૂપિયા ચૂકવવા અપાતું હતું દબાણ
મળતી પ્રાથમિક વિગતો મુજબ, રમેશભાઈ ચાવડાએ નાણાકીય જરૂરિયાત અર્થે એક વ્યાજખોર પાસેથી ₹4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. મુદત પૂરી થતાં અને ઊંચા વ્યાજદરના ચક્રવૃદ્ધિ ચક્રમાં ફસાયેલા દંપતી પાસેથી વ્યાજખોરે વ્યાજ સહિત કુલ ₹8 લાખની મોટી રકમ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. વ્યાજખોર દ્વારા સતત આપવામાં આવતી માનસિક યાતનાઓ, ધમકીઓ અને દબાણથી કંટાળીને આખરે આ દંપતીએ પોતાના લસણના કારખાનાની અંદર જ ફાંસો ખાઈને આપઘાત કરવાનું અંતિમ અને ભયાનક પગલું ભરી લીધું હતું.
ભક્તિનગર પોલીસે હાથ ધરી તબીબી અને કાનૂની તપાસ
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી બંને મૃતદેહોને કબજે લીધા હતા અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ભક્તિનગર પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધવા સહિતની આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
