Rajkot News: રાજકોટના હલેન્ડા ગામે એક વીજ દુર્ઘટનામાં ખેડૂત દંપતીનું મોત થયું છે. અહીં એક દંપતી વાડીએ પોતાના કાર્યમાં વ્યસ્ત હતું, તે દરમિયાન વીજ વાયર તૂટી પડતા બંને પતિ-પત્નીનું વીજ કરંટ લાગતા કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે દંપતિના બચાવવા ગયેલા પુત્ર અને પુત્રવધુ જતા દાઝી જતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ PGVCL ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
વાડીએ કામ કરતા ખેડૂત પર પડ્યો વીજતાર
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટથી આટકોટ તરફ જવાના માર્ગ પર આવેલા હલેન્ડા ગામના રહેવાસી ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા અને તેમના પત્ની કાંતાબેન સવારના સમયે હલેન્ડા-ઉમરાળી રોડ પર આવેલી પોતાની વાડીમાં ખેતી કામ કરી રહ્યાહતા. આ દરમિયાન તેઓ ખેતરમાં મગફળીનો પાલ ઉપાડી રહ્યા હતા, ત્યારે અચાનક વીજલાઈનનો તાર તૂટી પડ્યો હતો. વીજ તાર તૂટી પડતા ગાંડુભાઈને વીજ શોક લાગ્યો હતો.
માતાએ પુત્રને બચાવ્યો, પણ ખુદ ભોગ બન્યા
આ જોઈને ત્યાં હાજર તેમનો 40 વર્ષીય પુત્ર હસમુખ ગાંડુભાઈ વાવળીયા પિતાને બચાવવા દોડી ગયો હતો. જોકે, પિતાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે હસમુખને પણ જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ ઘટના દરમિયાન ગાંડુભાઈના 70 વર્ષીય પત્ની કાંતાબેન પુત્રને બચાવવા માટે દોડી ગયાહતા. તેમણે હસમુખને ધક્કો મારીને વીજ તારથી દૂર કરી દીધો હતો.
બીજી તરફ, હસમુખના 37 વર્ષીય પત્ની દયાબેન પણ પરિવારજનોને બચાવવા માટે ત્યાં દોડી ગયા હતા. આ દુર્ઘટનામાં હસમુખ અને દયાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે ગાંડુભાઈ અને કાંતાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઈજાગ્રસ્ત હસમુખ અને દયાબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ અને PGVCL ટીમો ઘટનાસ્થળે પહોંચી
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાલુકા પંચાયતના સભ્ય વનરાજ ગરૈયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ત્યાં એકત્ર થયા હતા. એક જ પરિવારના વડીલ દંપતીના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, PGVCL અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીજલાઈન કયા કારણોસર તૂટી પડી અને દુર્ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી કે અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
