Rajkot Gram Panchayat Election 2026: રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતી કુલ 595 ગ્રામ પંચાયત પૈકી 560 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની આખરી સહી બાદ ટૂંક સમયમાં રોટેશન લિસ્ટ સત્તાવાર રીતે જાહેર થવાની શક્યતા છે. રોટેશન લિસ્ટ જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવાની શક્યતા છે.
રાજકોટ જિલ્લાની 560 ગ્રામ પંચાયતો હેઠળ કુલ 4,560 વોર્ડનો સમાવેશ થાય છે. આ તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે. સરપંચની ચૂંટણી માટે કુલ 1,176 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યાં છે, જ્યારે મતદાન માટે 1,410 બેલેટ પેટીઓ મોકલવામાં આવશે. સરપંચની સાથે વોર્ડ વાઈઝ સભ્યોની પણ ચૂંટણી યોજાશે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
તાલુકાવાર ગ્રામ પંચાયતોની ચૂંટણી
રાજકોટ જિલ્લાના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ઉપલેટામાં 50, ગોંડલમાં 75, કોટડા સાંગાણીમાં 40, જસદણમાં 57, વીંછીયામાં 37, જેતપુરમાં 47, ધોરાજીમાં 28, જામકંડોરણામાં 44, લોધિકામાં 36, પડધરીમાં 58 અને રાજકોટ તાલુકામાં 88 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે.
આ તમામ તાલુકાઓ મળીને કુલ 560 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાજ્યના સ્ટેટ ઈલેક્શન કમિશનર ડો. એસ. મુરલી ક્રિષ્નાના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર પણ જોડાયા હતા.
280 મહિલાને સરપંચ બનવાની તક
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતનાનિયમને પગલે રાજકોટ જિલ્લામાં અંદાજે 280 મહિલાઓને સરપંચ તરીકે નેતૃત્વ કરવાની તક મળી શકે છે. રોટેશન લિસ્ટ જાહેર થયા બાદ કઈ ગ્રામ પંચાયતમાં મહિલા અનામત લાગુ પડશે તે સ્પષ્ટ થશે. આના પગલે ગ્રામ્ય રાજકારણમાં મહિલા ઉમેદવારોની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે.
