Rajkot News: જેતપુરમાં 200 રૂપિયાની ઉઘરાણી અને ગાળાગાળી મુદ્દે મિત્રએ જ ગળું કાપી મિત્રની હત્યા કરી, બે આરોપી ઝડપાયા

ઉદ્યોગનગર પોલીસે એલસીબીની ટીમ સાથે મળીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Dec 2025 06:37 PM (IST)Updated: Wed, 17 Dec 2025 06:37 PM (IST)
rajkot-friend-kills-friend-over-rs-200-dispute-in-jetpur-two-arrested

Rajkot News: રાજકોટ-જૂનાગઢ હાઈવે પર કેનાલ નજીક એક ખુલ્લા મેદાનમાંથી 25 વર્ષીય યુવાન સંજય શ્રીરામ કબીરદાસનો ગળું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી સહિત બે મિત્રોની ધરપકડ કરી છે. 200 રૂપિયાની ઉઘરાણી અને માતા વિશે અપશબ્દો બોલવા જેવી નજીવી બાબતે આ કરપીણ હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા સંજય શ્રીરામ કબીરદાસ (ઉં.વ. 25, મૂળ ઉત્તર પ્રદેશ) નો લોહીલુહાણ મૃતદેહ આજે સવારે રાજકોટ-જૂનાગઢ હાઈવે પરની કેનાલ પાસેના મેદાનમાંથી મળ્યો હતો. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

આ ઘટના બાદ ઉદ્યોગનગર પોલીસે એલસીબીની ટીમ સાથે મળીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી આશિષ નંદકિશોર અવસ્થી (રહે. બબેરૂ, જિ. બાંદા, ઉત્તર પ્રદેશ) અને તેને મદદ કરનાર રામચંદ્ર રામરતન ભંડારી (રહે. મલાકા, જિ. ફતેપુર, ઉત્તર પ્રદેશ) ને દબોચી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મૃતક સંજય કબીરદાસ અને આરોપી આશિષ અવસ્થી તેમજ રામચંદ્ર ભંડારી એક જ રૂમમાં સાથે રહેતા હતા. તાજેતરમાં, 14મી તારીખે તેમના કોન્ટ્રાક્ટર બહારગામ ગયા બાદ રૂમમાં આ ત્રણેય હાજર હતા. મૃતક સંજયે અગાઉ આરોપી આશિષ પાસેથી 200 રૂપિયા ઉછીના લીધા હતા. આશિષે પૈસા પરત માંગતા સંજયે પૈસા ન હોવાનું જણાવી આશિષની માતા વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા.

આ બાબતને લઈને ઉશ્કેરાયેલા આશિષે રૂમમાં પડેલી શાક સુધારવાની છરી વડે સંજયના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આશિષ અને રામચંદ્રએ મૃતદેહને મોટરસાયકલ પર લાદી રાત્રીના સમયે જેતપુર-નવાગઢ રોડ પર જૂના મનીષા કારખાનાની પાછળ અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે.