Rajkot Food Adulteration: રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમુના લેબોરેટરી ટેસ્ટિંગમાં નાપાસ થતાં ભારે સળવળાટ મચી ગયો છે. લાતી પ્લોટ, શેરી નં. 4 માં પુનિત ઘરઘંટીની બાજુમાં આવેલી 'ફોર્ચ્યૂન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ' પેઢીમાંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનામાં આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી ગંભીર ભેળસેળ હોવાનો સત્તાવાર લેબોરેટરી રિપોર્ટ આવ્યો છે.
આ ઉપરાંત, શહેરના વેપારી મથકોમાંથી લેવાયેલા જાણીતા બ્રાન્ડના ઘી અને સોસના સેમ્પલ પણ ગુણવત્તાના ધોરણો પર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે. શહેરના દાણાપીઠ અને મવડી મેઈન રોડ પર આવેલી પેઢીઓમાંથી લેવાયેલા ઘીના નમૂનામાં પણ મોટાપાયે મિલાવટ સામે આવી છે. પરાબજાર કોર્નર પર દાણાપીઠમાં આવેલી 'પેશુમલ ચેલારામ કંપની' ખાતેથી લેવામાં આવેલ 'VASTU AGMARK GHEE MADE FROM COW'S MILK' (500 ML PKD) નો નમૂનો લેબોરેટરી ચકાસણીમાં નાપાસ થયો છે.
આ જ રીતે, મવડી મેઈન રોડ પર વિનાયક નગર, ઉદયનગર-1 માં અક્ષર પ્લાસ્ટિક સામે આવેલ 'જલારામ ઘી ડેપો' ખાતેથી લેવાયેલા 'SHREEKANT COW'S PREMIUM GHEE' (200ML પેક) નો નમૂનો પણ સત્તાવાર રીતે ફેઇલ જાહેર થયો છે. આ બંને જાણીતી બ્રાન્ડના ઘીમાં ફોરેન ફેટ એટલે કે વેજીટેબલ ફેટની મિલાવટ હોવાનું ખુલ્લું પડ્યું છે.
બીજી તરફ, માધાપરમાં ઈશ્વરીયા રોડ પર આવેલી 'આર.બી. ફૂડ પ્રોડક્ટ' નામની ઉત્પાદક પેઢીમાંથી લેવાયેલા લૂઝ "ટોમેટો સોસ" ના નમૂનામાં માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક એવા સિન્થેટીક ફૂડ કલર (કાર્મોઝિન) ની હાજરી મળી આવી છે. આ તમામ પેઢીઓના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં નાપાસ થતા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સંબંધિત પેઢીઓ સામે કાયદાકીય પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
